- ડીસા અને ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ
- ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
- ભાજપના સમર્થકોએ પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી
બનાસકાંઠા: જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે, જેમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં પોતાનો ડંકો વગાડ્યો હતો. ડીસા નગરપાલિકામાં પણ 44 બેઠકો માટે 152 ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણી લડયા હતા, જેમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ 27, અપક્ષ 15, કોંગ્રેસ 1 અને આમ આદમી પાર્ટી 1 વિજયી બન્યા હતા. બીજી તરફ ભાભર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભાભર નગરપાલિકામાં પણ છ બેઠકો માટે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 24 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપના 22 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો વિજયી બન્યા હતા. આમ નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ડીસા અને ભાભર નગરપાલિકા પર ભાજપે ફરી એકવાર પોતાનો કબ્જો મેળવ્યો હતો.
ડીસા નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ડંકો વગાડ્યો છે અને ત્રણેય પાલિકા પર બહુમતી મેળવ્યા બાદ આજે સોમવારે ડીસા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો હંમેશા વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરિફ થઈ છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે સવિતાબેન જીગ્નેશભાઈ હરિયાળીની બિનહરીફ વરણી થતા ભાજપના ખેમામાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. આજે ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાની સાથે જ ભાજપના તમામ સમર્થકોએ તેમને ફૂલહાર પહેરાવીને ડીસા શહેરનો વિકાસ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તો બીજી તરફ પ્રમુખ બનતાની સાથે જ રાજુભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણીએ ડીસા વાસીઓનો આભાર માનવા માટે વરઘોડો નીકળ્યો હતો.