- બટાકાનું હબ ડીસા
- ભાવ ગગડતા અનેક કોલ્ડ સ્ટોરેજ થયા હતા બંધ
- બટાટાના ભાવમાં ઐતિહાસિક વધારો
- ભાવ વધતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લાગણી
બનાસકાંઠા: બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. અત્યારસુધીમાં બટાકાનો ભાવ ક્યારેય 800 રૂપિયા સુધી પહોંચ્યો નથી. આ વર્ષે 800 રૂપિયા પ્રતિમણ ભાવ મળતા પાંચ વર્ષની મંદીનો માર સરભર થયો છે.
બટાકાનું હબ ડીસા
બટાકા નગરી તરીકે જગવિખ્યાત ડીસા તાલુકામાં બટાકાની વાવણીની શરૂઆત થઈ રહી છે. ત્યારે આવા સમયે બટાકાનો ભાવ ઉચકાતા હાલ ડીસામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસામાં છેલ્લા પાંચ વર્ષની બટાકાની સ્થિતિ જોઈએ તો દર વર્ષે સૌથી વધુ બટાકાની ખેતી થાય છે. જેના કારણે ગુજરાતમાં ડીસાને બટાકા નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકામાં ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓ મંદીમાં મૂકાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બટાકાનો ભાવ માત્ર 10થી 15 રૂપિયા કિલો જ રહ્યો હતો. જેના કારણે મોંઘાડાટ બિયારણો લાવી ખેતરમાં રાત દિવસ મજૂરી કરી ઉત્પાદન કરતા ખેડૂતોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વારંવાર બટાકાના ભાવ ઓછા થઈ જતા ડીસાના ખેડૂતોએ અનેક વાર મોટા મોટા આંદોલનો પણ કર્યા હતા. પરંતુ ડીસાનું બટાકું જાણે ખેડૂતોને દેવાદાર બનાવવા માગતું હોય તેમ પાંચ વર્ષ સ્થિતિ સર્જાઈ હતી.
કોલ્ડ સ્ટોરેજ
ગુજરાતમાં સૌથી વધુ બટાકા સંગ્રહ કરવા માટે ડીસામાં 210 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. છેલ્લા પાંચ વર્ષમાં ડીસામાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન થયું હતું. જેના કારણે ડીસાના તમામ કોલ્ડ સ્ટોરેજ બટાકાથી ભરાઈ ગયા હતા. પરંતુ સતત બટાકાના ભાવમાં ઘટાડો થવાના કારણે ડીસાના ખેડૂતો અને કોલ્ડસ્ટોરેજના માલિકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ બટાકામાં મંદીના કારણે અનેક કોલ્ડ સ્ટોરેજોમાં બેંકોના લોનનું દેવું વધી જતાં બંધ પણ કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષની બટાકામાં મંદી સહન ન થતા અનેક ખેડૂતો અને કોલ્ડસ્ટોરેજના વેપારીઓએ આત્મહત્યા પણ કરી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બટાટાએ પાંચ વર્ષમાં ખેડૂતો અને વેપારીઓને રોવડાવ્યા છે.