- 50 વર્ષ બાદ બટાકાના ભાવમાં વધારો
- ભાવ વઘતાં ખેડૂતો અને વેપારીઓ ખુશ
- બટાકાના ભાવ વઘતાં મોટા ખેડૂતોને ફાયદો
બનાસકાંઠાઃ ડીસાને ગુજરાતની બટાકા નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આ વર્ષે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બટાકાના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે. દર વર્ષે ખેડૂતો સારી આવકની આશા રાખી મોટા પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન કરતા હોય છે. પરંતુ ગત 5 વર્ષથી ડીસા શહેરમાં ખેડૂતો બટાકામાં મંદી ભોગવતા ખેડૂતો ભારે પાયમાલ થઇ ગયા હતા. ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક બટાકાના ભાવમાં વધારો થતાં ખેડૂતોને મહદઅંશે રાહત મળી શકશે. જેથી ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા બટાકામાં આ પ્રમાણે જ ભાવ ટકાવી રાખવામાં આવશે, તો ખેડૂતો વર્ષોના દેવામાંથી બહાર આવી શકશે.
50 વર્ષ બાદ બટાકાના ભાવ વધતા ખેડૂતો અને વેપારીઓ ખુશ
ડીસામાં બટાકાના વાવેતરની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી સૌથી બટાકાના પ્રતિ કિલો 20 રૂપિયા ભાવ હતો, પરંતુ આ વર્ષે 35થી 40 રૂપિયે કિલો બટાકા વેચાતા વેપારીઓ અને ખેડૂતોને ઘણા વર્ષો બાદ મોટો ફાયદો થયો છે. સતત મંદીના કારણે ચાલુ વર્ષે બટાકાનું વાવેતર પણ ઓછું થતાં ઉત્પાદન ઓછું થયું હતું. એક તરફ બટાકાનું ઉત્પાદન ઓછું અને બીજી તરફ કોરોના મહામારીના કારણે માંસાહાર લેતા લોકો શાકાહાર તરફ જતા પણ બટાકાની માગ વધી છે. આ માગમાં વધારો થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખૂશી જોવા મળી રહી છે.