- બનાસકાંઠામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો
- થરાદમાં 3 દિવસ અગાઉ દોરડા વડે બાંધેલા યુવાનનો મૃતદેહ મળ્યો હતો
- પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
બનાસકાંઠામાં એક ફ્રુટના વેપારીને લૂંટી લઈ તેની હત્યા કર્યા બાદ હાથ બાંધી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધી હોવાનો અનડિટેકટ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. જેમાં જીવણટભરી તપાસ કરતા વેપારીએ જ વેપારીની હત્યા કરી હોવાનું બહાર આવતાં થરાદ પોલીસે લૂંટ કરાયેલી રકમ, સ્વીફ્ટ કાર સહિત બે આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદમાં થયેલી હત્યામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી થરાદમાં 3 દિવસ અગાઉ દોરડા વડે બાંધેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો
થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક ફ્રુટના વેપારીને ગળે ટૂંપો આપી દઈ તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી હતી. ડીસામાં રાજીવ ગાંધી કોમ્પલેક્ષમાં ફ્રુટનો વ્યવસાય કરતા સંજય ઉર્ફે સંતોષ પરમાર અવારનવાર ફ્રુટની ખરીદી માટે થરાદ તરફ જતા આવતા હતા તેમજ ત્રણ દિવસ અગાઉ રાત્રે પણ તેઓ ઘરેથી સ્વિફ્ટ કારમાં 40 લાખ રૂપિયાની રોકડ લઈને દાડમની ખરીદી કરવા માટે થરાદ જવા નીકળ્યા હતા. જોકે મોડી રાત્રે તેમની પત્ની સાથે વાતચીત થયા બાદ તેમનો મોબાઈલ બંધ થઈ જતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેથી તેમના પરિવારજનોએ થરાદ તરફ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડીરાત સુધી સંતોષભાઈનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. જ્યારે બીજા દિવસે સવારે થરાદ પાસે કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે તેમને ગળે ટૂંપો આપી હત્યા કરી તેમના હાથ દોરડાથી બાંધી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું તેમજ તેમની કાર અને 40 લાખ રૂપિયા પણ ગાયબ હતા.
પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
આ ઘટનાની જાણ થરાદ પોલીસ પણ હત્યા કરાયેલા મૃતદેહ વાળી જગ્યા પર પહોંચી હતી અને જ્યાં પોલીસે સ્થળ પર તપાસ કરતા મૃતદેહને દોરડા વડે બાંધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ ઘટનાસ્થળે પરિવારની પૂછતાછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક ઘરેથી 40 લાખ રૂપિયા લઇ દાડમની ખરીદી કરવા પોતાની ગાડી લઈને નીકળ્યા હતા અને જે બાદ સવારે તેમનો ફોન સ્વીચ ઓફ આવતા પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં નર્મદા કેનાલ પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા કોઈએ તેમની દોરડા વડે હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાની પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
થરાદ પોલીસે 2 આરોપીની અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલ્યો
થરાદના એએસપી પૂજા યાદવે અલગ અલગ ટીમો બનાવી ઝીણવટ ભરી તપાસ કરતાં આ અનડિટેક્ટ ગુનાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. જેમાં રમેશ ચૌધરી નામના વેપારી છેલ્લા બે વર્ષથી મૃતક સંજય મળી સાથે દાડમની લે-વેચ કરતા હતા તેમજ છેલ્લા બે વર્ષથી એકબીજાના પરિચયમાં હોવાના કારણે રમેશ ચૌધરીને સંજય માળીની તમામ માહિતી ખબર હતી. જેથી નાણાંની લાલચમાં આવી રમેશ ચૌધરીએ તેના સાગરીત કિરણ ઠાકોર સાથે મળી તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જે બાદમાં ખરીદી કરવા આવેલા સંજય માળીને વિશ્વાસમાં લઇ તેની ગળું દબાવી હત્યા કરી હાથ બાંધી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો અને લૂંટ કરી કાર લઈ બંને હત્યારો રાધનપુર તરફ નાસી ગયા હતા. પોલીસે રાધનપુર પાસેથી બિનવારસી હાલતમાં મળી આવેલી કાર પરના ફિંગર પ્રિન્ટ અને એફએસએલ દ્વારા તપાસ કરાવી તેમજ તે જગ્યાની આજુબાજુમાં સીસીટીવી ફૂટેજ મેળવી સીડીઆર મારફતે ફોન કોલ્સની તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા રમેશ ચૌધરી અને કિરણ ઠાકોરની અટકાયત કરી છે. તેમજ આ બંને આરોપીઓએ ખેતરમાં દાટી દીધેલાં નાણાંનો થેલો પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.