- બનાસકાંઠા બની રહ્યું છે ડ્રગ્સ હેરાફેરીનું હબ
- ડીસામાંથી ફરી ડ્રગ્સની હેરાફેરી કરતા 4 પરપ્રાંતીય શખ્સો ઝડપાયા
- રૂપિયા 15.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
બનાસકાંઠા: આમ તો બનાસકાંઠા રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દર વર્ષે રાજસ્થાનમાંથી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે. ખાસ કરીને અત્યાર સુધી જિલ્લાની રાજસ્થાનને અડીને આવેલી બોડર પરથી વિદેશી દારૂ અને હથિયારો ઝડપાતા પરંતુ હવે રાજસ્થાનના પરપ્રાંતિય વ્યક્તિઓને જાણે ગુજરાતની પોલીસથી કંઈ ડર જ ના હોય તેમ એક બાદ એક નશીલા પદાર્થોની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી રહી છે. પોલીસ પણ હવે આવા તત્વો સામે બાજનજર રાખી નશીલા પદાર્થનો રાજસ્થાનમાંથી જિલ્લામાં પ્રવેશતા નેટવર્કને અટકાવવા માટે સક્રિય બની છે અને માત્ર બે મહિનામાં જ અનેક જગ્યાઓ પરથી બનાસકાંઠા જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થો ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
ડીસામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગુનાઓના પ્રમાણમાં વધારો
ઉત્તર ગુજરાતનાં વેપારી મથક તરીકે ખ્યાતનામ ડીસા શહેરને મિનિ મુંબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક સમયે ગુજરાતમાં પોરબંદર બાદ ડીસા ગેર કાયદેસર પ્રવુતિમાં નામના ધરાવતું હતું પરંતુ સમય જતાં ડીસાની છાપમાં બદલાવ જોવા મળ્યો હતો. વર્તમાન સમયમાં એકવાર ફરી ડીસા શહેર ભૂતકાળ તરફ આગળ વધી રહ્યું છે અને ડીસામાં હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડીસામાં છેલ્લા એક માસમાં ત્રણ વખત ખતરનાક ડ્રગ્સ ઝડપાઇ જવાની ઘટના સામે આવી છે. અગાઉ ડીસા શહેર દક્ષિણ પોલીસે શહેરની મોઢેશ્વરી સોસાયટીમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયા હતો. તે ઉપરાંત પાલનપુર હાઈવે પરથી પણ મોટા પ્રમાણ લક્ઝરીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું.