- માસ્ક, બ્રેથ એનેલાઈઝર અને CCTV દ્વારા પણ વાહનચાલકો પર બાઝ નજર
- ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં અમીરગઢ બોર્ડર અગ્ર સ્થાને
- રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર 31 ફસ્ટને કારણે સુરક્ષા વધારાઈ
બનાસકાંઠા : જિલ્લામાં દારૂની પાર્ટી યોજી કે દારૂ પીને 31 ફર્સ્ટની ઉજવણી કરનારાઓની હવે ખેર નથી. કારણ કે, બનાસકાંઠામાં દારૂના રસિયાઓના રંગમાં ભંગ પાડવા માટે પોલીસે તખ્તો તૈયાર કરી દીધો છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દરરોજ મોટા પ્રમાણમાં દારૂ વેચાય છે અને પીવાય પણ છે. ત્યારે બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે 31 ફર્સ્ટ ડિસેમ્બરને લઇ પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર, પાંથાવાડા બોર્ડર, થરાદ બોર્ડર પરથી મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી દારૂ લઈ જવામાં આવે છે. જેના કારણે કુલ 7 ચેકપોસ્ટ પર અત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સિવાય પણ સિવાય પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાયુ
આ વર્ષે કોરોના મહામારીનો કપરો સમય હોવાથી ખાસ ખાનગી પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસ પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું જીણવટ ભરી રીતે ચકાસણી કરવામાં આવી રહ્યુ છે. હાલમાં કોરોના વાઇરસ ની મહામારીને ધ્યાને લઇ પોલીસ દ્વારા પ્રાઇવેટ સાધનોમાં વધારે પડતા લોકો ભરીને રાજસ્થાનમાં પ્રવેશ ન કરે, તે માટે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેથી આવનારા સમયમાં કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થાય નહીં.