- ડીસામાં ભૂગર્ભ ગટરની કામગીરીને પગલે લોકો ધૂળથી પરેશાન
- ધૂળના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફો
- તંત્ર દ્વારા ધીમી ગતિએ ચાલતી કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા લોકોની માગ
પાલનપુર: ડીસામાં કોરોના વાઇરસ વચ્ચે લોકો ભૂગર્ભ ગટરની ગોકળ ગતિએ ચાલતી કામગીરીના લીધે ઊડી રહેલી ધૂળથી પરેશાન થઈ ઉઠ્યા છે અને ભૂગર્ભ ગટરનું કામ કરતી એજન્સી દ્વારા કામ ઝડપથી પુરું કરવા ઉપરાંત રસ્તા પર ખોદવામાં આવેલા ખાડાઓમાં પાણીનો છંટકાવ કરવાની લોકો માગ કરી રહ્યા છે.
ડીસામાં છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ લોકો પરેશાનીમાં છે. કારણ કે, ડીસા શહેરના મુખ્ય માર્ગોને ભૂગર્ભ ગટરની કામગીરી કરવા માટે ખાડાઓ ખોદી દેવામાં આવ્યા હોવાથી અત્યારે રસ્તા પર ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે. લોકો ધૂળથી પરેશાન થઈ ગયા છે. શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો પર છવાયેલી ધૂળના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે. એક તરફ કોરોના વાઇરસનું સંક્રમણ છે, તો બીજી તરફ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને પગલે ઊડતી ધૂળથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે લોકો માગ કરી રહ્યા છે કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરી ઝડપથી પૂરી કરાવે અને રસ્તા પર ખોદી કાઢવામાં આવેલા ખાડાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવે જેથી આ ધુળની સમસ્યાથી લોકોને છુટકારો મળે.
ડીસામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકો રોડ પર ઊડતી ધૂળથી પરેશાન કોરોના વાઇરસ વચ્ચે સરકાર દ્વારા માસ્ક ફરજિયાત બનાવી દીધા છે. ખુલ્લા નાક કરતાં માસ્ક હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, ત્યારે માસ્કની સાથે અત્યારે નગરજનોને ધૂળનો પણ ઓવરડોઝ મળી રહ્યો છે. જેના લીધે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા પણ ગંભીરતા દર્શાવીને જવાબદાર વિભાગને નોટિસ પાઠવવામાં આવે તે વર્તમાન સ્થિતિ જોતાં જરૂરી છે.