ઉભરાતી ગટરો અને તૂટેલા માર્ગો, આ દ્રશ્યો ડીસા શહેરમાં આવેલા રેલવે સ્ટેશન નજીક આવેલા રબારી વાસના છે. એવું નથી કે આ વિસ્તારની હાલત પહેલેથી જ આવી બિસ્માર રહી હોય, પરંતુ એક સમયે અહીં પણ પાક્કા રસ્તા અને સુદ્રઢ ગટર વ્યવસ્થા હતી. આ વિસ્તારમાં 3 વર્ષ અગાઉ વિકાસના નામ પર ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ શરૂ થયા બાદ આ વિસ્તારના તમામ રસ્તાઓ સંપૂર્ણ રીતે તોડી દેવામાં આવ્યા હતા.
અસંખ્ય રજૂઆતો છતાં પરિણામ શૂન્ય.... ભૂગર્ભ ગટરનું કામકાજ તો પૂર્ણ થયાને 3 વર્ષ જેટલો સમય વીતી ગયો, પરંતુ આ વિસ્તારમાં હજુ સુધી નથી તો માર્ગો બનાવવામાં આવ્યા કે નથી તૂટેલી ગટરોનું સમારકામ કરવામાં આવ્યું. જેને લઇને સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારના ખખડધજ માર્ગો પરથી પસાર થતી વખતે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ઉભરાતી ગટરોને પગલે આ વિસ્તારમાં બીમારીઓ પણ ફેલાઈ રહી છે.
એવું નથી કે આ સમસ્યાઓને પગલે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં ન આવી હોય....! અસંખ્ય રજૂઆતો છતાં પરિણામ શૂન્ય.... જાણે કે ડીસા નગરપાલિકાને આ વિસ્તારના વિકાસમાં કોઈ રસ જ ન હોય તેમ ગમે તેટલી રજૂઆતો કરવામાં આવે પણ પાલિકા દ્વારા આ વિસ્તારની કોઈ દરકાર લેવામાં આવતી નથી. જેને પગલે આ વિસ્તારના રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે હવે આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા માર્ગોનું નવીનીકરણ કરાવી ગટર વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે.
ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં હજુ સુધી અનેક વિસ્તારોમાં વિકાસના કામો બાકી રહ્યા છે. જેના કારણે ડીસા નગરપાલિકાના શાસન પર સ્થાનિક લોકોનો રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ડીસા નગરપાલિકા દ્વારા બાકી રહેલા વિસ્તારના અધૂરા કામો ક્યારે પુરા કરવામાં આવશે?