- મૌલિક વિચાર અને નવીન સંશોધન હરિફાઈમાં 22 રાજ્યોમાંથી 9 હજાર આઈડિયા મળ્યા હતા
- સમગ્ર દેશમાં પસંદ થયેલા 15 બાળ સર્જક પૈકી ચાર્મી પંડ્યાની પસંદગી
- ચાર્મી પંડ્યાએઆ વખતે કુલ 5 નવા વિચાર મોકલ્યા હતા
બનાસકાંઠાઃ આધુનિક જગતમાં શિક્ષણ જેટલું જ મહત્વ નવ સર્જન કે નવ વિચારનું છે. ભારત રત્ન, દેશના પૂર્વ રાષ્ટ્પતિ અને મિસાઈલ મેન તરીકે ઓળખાતા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઈજ્ઞાઈટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બને છે. બાળકોમાં રહેલી સર્જનશીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવે છે. સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન કે નવો વિચાર મોકલતા હોય છે. દર વર્ષે બાળકોના હજારો વિચારોમાંથી 30 ઇનોવેશન વિચારો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા નવ વિચારોની જાહેરાત 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાંથી 9 હજાર નવા વિચારો રજૂ થયા હતા. આ પૈકી 15 વિચારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાને સન્માન પ્રાપ્ત થયું
બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરને સમગ્ર દેશમાં આ અંગે સન્માન પ્રાપ્ત થયું છે. છેલ્લા વર્ષોમાં NIFના સ્થાપક સહયોગી, હની બી નેટવર્કના ફાઉન્ડર અને સૃષ્ટિના સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વારા બાળ નવસર્જકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ તેમના દ્વારા 'ચલો આવિષ્કાર કરે' નામની ઓન લાઈન કાર્યશાળાનું આયોજન કરાયું હતું.
ચાર્મી પંડ્યાના નવા વિચારની IGNITE એવોર્ડ માટે પસંદગી
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ભારત રત્ન અબ્દુલ કલામ સ્થાપિત નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વાર આયોજિત બાળ સર્જનશીલતા અંતર્ગત NIFના સ્થાપક સભ્ય અને સૃષ્ટિના સંયોજક અનિલ ગુપ્તા દ્વારા બાળકોના નવ સર્જન મોકલી આપવા પહેલ કરવામાં આવી હતી. આ પૈકી પાલનપુર વિદ્યામંદિર ખાતે ગુજરાતી માધ્યમમાં ધોરણ 10માં અભ્યાસ કરતી ચાર્મી પંડ્યાના નવ વિચારની IGNITE એવોર્ડ માટે પસંદગી થઇ છે. ચાર્મી પંડ્યા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ખુરશીમાં બેસવા કે ઉઠવામાં મુશ્કેલી ન પડે એવા વિચાર સાથે મોડલની ડિઝાઈન આપવામાં આવી હતી. જેમાં દેશમાંથી માત્ર એક પાલનપુરની ચાર્મીનું નામ એવોર્ડ માટે જાહેર કરવામાં આવતા પરિવારે ખુશીની લાગણી અનુભવી હતી. આ એવોર્ડ માટે પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાર્મી પંડ્યાને મદદ કરવામાં આવતી હતી.