બનાસકાંઠા :પાલનપુરના સામઢી નાંઢાણી વાસમાં આજરોજ સવારે નવ વાગ્યાના સુમારે પંદર વર્ષના બાળક પર વીજળી પડતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ખેતરના શેઢા પર રમતા મોટાભાઈની નજર સામે નાનાભાઈ પર વીજળી પડતા ચાર ફૂટ જેટલો ઉછળીને પટકાયો હતો. જેના પગલે પરિવારમાં માતમ છવાયો છે. મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો : પાલનપુર તાલુકાના સામઢી નાંઢાણી વાસ ખાતે રહેતા દેવુજી પરમુજી સોંલકીને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આજે સવારે નવેક વાગ્યાના સુમારે દેવુસિંહનો મોટો દીકરો સંજયસિંહ અને મેરૂસિંહ બન્ને જણા ખેતરના શેઢા પર રમતા હતા. તે દરમિયાન તેમનો નાનો દીકરો કે જવાનસિંહ કે જે ધોરણ 8 સુધી અભ્યાસ કરેલો હતો અને ત્યારબાદ અભ્યાસ છોડી દીધો હતો. તેના પગ પર વાગેલુ હોવાથી ચાલવામાં તકલીફ પડી રહી હતી. તે પણ શેઢા પર રમવા જતા તેના મોટાભાઈ સંજયસિંહે તેને કહેલ કે તું અહીંયા કેમ આવ્યો છે, તારે પગમાં તકલીફ છે. તેથી તુ અહીંથી જતો રહે. જેથી જવાનસિંહ ત્યાંથી જવા માટે રવાના થતાં જ અચાનક તેની પર વીજળી પડતા તેને ચાર ફૂટ જેટલો ઉછાળતા નીચે પટકાયો હતો.
પરિવારમાં શોકનો માહોલ : સંજયસિંહ અને તેની સાથે રહેલા મેરૂસિંહ બન્ને જણા હેબતાઇ ગયા હતા. તેના પરિવારજનો દ્વારા જવાનસિંહને ડીસા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. મૃતક બાળકની માતાના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું, ત્યારે મૃતક બાળક જવાનસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો.
મોટાભાઈના લગ્ન હતા : જોકે આગામી 15 મેના રોજ મૃતક જવાનસિંહના મોટાભાઈ સંજયસિંહના લગ્ન હોવાથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે. નાનકડા બાળકના મૃત્યુના પગલે સમગ્ર ગામમાં ઘેરા શોકની કાલીમા છવાઈ હતી. સામઢી નાંઢાણી વાસના સરપંચ ફુલસિંહ સોલંકી અને તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરીને વહીવટી તંત્રને વીજળી પડવાથી બાળકના મૃત્યુ મામલે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.