ગુજરાત સરકાર એક તરફ ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જેના કારણે ખેડૂતોને સરળતાથી ગુજરાત સરકારના લાભો મળી શકે. પરંતુ ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારની સ્થિતિ કંઈક અલગ જ છે. આ વિસ્તારમાં 500થી પણ વધુ ખેડૂતો રહે છે અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે.
ડીસામાં બિસ્માર રસ્તાથી ત્રાહીમામ ખેડૂતોનો વિરોધ - 200થી પણ વધુ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું
ડીસા: ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ડીસા તાલુકાના વડલીફોર્મ વિસ્તારના ખેડૂતોને બિસ્માર રસ્તાનો ઉપયોગ કરવાની મજબૂરી છે. જેથી ત્રાહીમામ પોકારી ગયેલા ખેડૂતોએ રસ્તાની માંગણી સાથે વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
વડલીફાર્મ વિસ્તારથી ડીસા હાઈવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ બાબતે ખેડૂતો દ્વારા સરકારને છાસવારે 18 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી પાકા રસ્તા જેવી સવલત મળી નથી. જેના કારણે આજે 200થી પણ વધુ ખેડૂતોએ ભેગા મળી આ રસ્તાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન ગામના સરપંચે આવીને આ વિસ્તારનો રસ્તો દિવાળી સુધી બનાવી આપવાની બાંહેધરી આપી હતી. જેના કારણે ખેડૂતોએ હાલ પૂરતું વિરોધ કરવાનું સ્થગીત રાખ્યું હતું.
ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારના ખેડૂતોના બાળકો બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જાય છે. પરંતુ છેલ્લા 18 વર્ષથી બિસ્માર રોડના કારણે ખેડૂતોને પોતાના બાળકોને સ્કૂલે મોકલવામાં પણ ડર લાગે છે. અહીંથી પસાર થતા રોડ પર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી ખેડૂતોને પોતાના ખેતરમાં ઉભા પાકને વેચવા માટે બજારમાં જતી વખતે ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આજે કરેલા ખેડૂતોના વિરોધ બાદ 18 વર્ષથી નડતરરૂપ પ્રશ્નનું નિરાકરણ આવશે કે પછી વડલીફાર્મ વિસ્તારના ખેડૂતોને બિસ્માર માર્ગનો જ ઉપયોગ કરવો પડશે તે જોવું રહ્યું.