બનાસકાંઠા : કોરોનાને લઈને લોકડાઉન બાદ તબીબી સેવા ગામડાના લોકોને ગામમાં મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પણ સતર્ક રહેવા આદેશ આપ્યો છે.
મેડિકલ સ્ટાફે ઈલાજ કરવાની ના પાડી, જિલ્લા કલેક્ટર તરફથી મળી નોટિસ - બનાસકાંઠા ન્યૂઝ
ડીસાના રાણપુર પેટા આરોગ્ય કેન્દ્રમાં હાજર સ્ટાફ દ્વારા દર્દીઓને સારવારનો ઇનકાર કરતા ગ્રામજનોએ જિલ્લા કલેકટર અને તાલુકા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી છે. આ કારણોસર આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
ડીસાના રાણપુર આથમણાવાસ પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ દ્વારા ઈલાજ કરવાનો ઇનકાર કરતા અને પેટા કેન્દ્રની અંદર કોઈને પ્રવેશ ન આપતા ગામના દર્દીઓને સારવાર અર્થે ડીસા ચાલતા જવું પડે છે. આ બાબતે એક ખાનગી સમાચાર પત્રે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જો કે, ગામના સરપંચ ચંદાબેન છેપાએ પોતાના લેટર પર તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરી હતી.
આ બાબતની જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. જેથી તાલુકા આરોગ્ય અધિકારીએ ડાવસ પ્રાથમિક હેલ્થ ઓફિસના મેડિકલ અધિકારીના અભિપ્રાય સાથે રાણપુર પેટા આરોગ્યના સ્ટાફ અને તબીબનો ખુલાસો માંગ્યો હતો. ફરજ પર બેકાળજી અને નિષ્ક્રિયતા દાખવવા બદલ ખુલાસો માગ્યો હતો. જો કે, રાણપુર આથમણાવાસ આરોગ્યના સ્ટાફ દ્વારા દર્દીઓને સારવાર આપવાને બદલે તેઓને અલગ અલગ બહાના બતાવી સારવાર ન કરતા બીમાર ગ્રામજનોને ડીસા ચાલતા સારવાર અર્થે આવવું પડે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને સ્ટાફ અને તબીબ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ છે. સજારૂપ દાખલો બેસાડે જેથી જિલ્લામાં આવા બેકાળજી દાખવતા સ્ટાફ જાગૃત થાય.