બનાસકાંઠા: સરહદ કેવી હોય છે એ નાગરિકો માટે હંમેશા કુતૂહલનો વિષય બની જાય છે, કેમ કે સરહદ આસાનીથી જોવા મળતી નથી એટલે ગુજરાતમાં બોર્ડર ટુરીઝમની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની અડીને આવેલો છે, અહીં નડાબેટ નામના સ્થળેથી ભારત- પાકિસ્તાનની સરહદ જોઈ શકાય છે. અહીં પ્રવાસીઓ માટે સતત નવી નવી સુવિધાઓ વિકસાવાઈ રહી છે.જેથી ભારત- પાકિસ્તાનની બોર્ડર ઉપર લોકો મોટી સંખ્યામાં આવે અને બોર્ડર ઉપર થતી દરેક કાર્ય નિહાળે તે માટે ખૂબ સારું આયોજન કરાયું છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય બોર્ડર ભારત- પાકિસ્તાનની નડાબેટ બોર્ડર ઉપર પણ સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે, અને તેના લીધે જ અત્યારે નડાબેટ બોર્ડર પર પર્યટકો માટે ખૂબ જ સારું સ્થળ બની ગયું છે.
નડાબેટની ખાસીયત: બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે ભારત - પાકિસ્તાનની 0 પોઇન્ટ બોર્ડર આવેલી છે અને ગુજરાત સરકારે 10 એપ્રિલ 2022માં આ ટુરીઝમ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. અહીં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને આ બોર્ડરને એક પર્યટક સ્થળ તરીકે ફેરવવામાં આવ્યું છે. પરિણામે આ સ્થળ ઉપર દિન પ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે વડીલો આ બોર્ડરની અચૂક મુલાકાત લેતા થયા છે. નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે . નડાબેટ ખાતે માતા નડેશ્વરીનું મંદિર પણ આવેલું છે. આ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે, તેવી એક થીમ બનાવાઈ છે, જે અંતર્ગત સૈનિકોના પૂતળા મુકવામાં આવ્યા છે. તેઓ બોર્ડર ઉપર જે પોતાની ફરજ બજાવતા હોય છે તે દ્રશ્યો લોકોને આ મ્યુઝિયમના માધ્યમથી જોવા મળે છે. તેમજ 500 લોકોની કેપેસિટીનું એક ઓડિટોરિયમ પણ બનાવાયું છે. જેમાં BSFના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. દરરોજ સાંજે 5:00 વાગે પરેડ યોજાય છે. આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની-જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સાથે બાળકો માટે ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યું છે.જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે. આ ઉપરાંત ટુરિસ્ટોને ટુરિઝમ દ્વારા જીરો પોઇન્ટ બોર્ડર સુધી બસ મારફતે સીમા દર્શન પણ કરાવવામાં આવે છે. જ્યાં ભારતની બોર્ડર પર ઉભા રહી પાકિસ્તાનની સરહદને જોઈ શકાઈ છે. ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના રૂપિયા 100 અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના રૂપિયા 50 છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા ફી છે, તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
સીમા દર્શન: બનાસકાંઠા જિલ્લાની સરહદ પર બનાવેલ સીમા દર્શન ટુરિઝમ ખાતે વર્ષો પહેલા કોઈ જ પ્રકારની સુવિધાઓ હતી નહીં, અહીં માત્ર ચારે બાજુ રાજસ્થાન જ જેવું રણ જોવા મળતું હતું, ન તો પીવા માટે પાણી હતું કે, ન તો કોઈ પણ પ્રકારની સુવિધા જેના કારણે અહીં આવતા લોકોને ભારે દુવિધાનો સામનો કરવો પડતો હતો, ત્યારે હવે રાજ્ય સરકાર અને બીએસએફના જવાનો દ્વારા બનાવવામાં આવેલ ટુરિઝમના કારણે હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ સરહદ પર મળી રહે છે, તેના કારણે લોકો પણ દૂર દૂરથી સીમા દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે, અહીં સીમા દર્શન માટે આવતા લોકો માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અને ફરવા માટે સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેને લઈ લોકો પણ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સીમા દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે વર્ષો પહેલાં જ્યાં સરહદી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં ન આવ્યો હતો ત્યારે અહીં આજુબાજુ વસવાટ કરતાં હજારો પરિવારના લોકો બહાર ધંધા અર્થે જતા હતા પરંતુ હવે આ ટુરીઝમ બનતા ની સાથે જ અહીં હજારો પરિવારના લોકોને રોજગારી પણ મળી રહી છે.