- બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોનાવાયરસના દર્દીઓના કારણે ઓક્સિજનની અછત
- ઓક્સિજનની અછતથી બનાસકાંઠા જિલ્લામાં અનેક દર્દીઓના મોત
- વાવના ધારાસભ્ય દર્દીઓની ઓક્સિજન મળી રહે તે માટે દાન આપ્યું
- થરાદના આગેવાનોના ફાળાથી થરાદમાં બાર લાખના ખર્ચે 100 બોટલ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી
બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, લોકોમાં વધેલા સંક્રમણના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાઓમાં 300થી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે હાલમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. અત્યાર સુધી ઓક્સિજનની અછતના કારણે અનેક દર્દીઓના મોત પણ નિપજ્યા છે. ત્યારે હવે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં ધારાસભ્યો દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:જામનગરમાં ઓક્સિજનની અછત દૂર કરવા જૈન સમાજ આવ્યો આગળ
વાવના ધારાસભ્યએ દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે દાન આપ્યું
શહેરી વિસ્તારોની સાથે સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધતા હવે આરોગ્યની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ રહી છે. જેને પગલે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઓક્સિજન ખરીદવા માટે 51 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું અને લોકોને પણ અપીલ કરી છે કે, ભાભરમાં ઓક્સિજનનો જથ્થો અપૂરતો હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં વેપારીઓ સહિત ગામના આગેવાનો આ સંકટની ઘડીમાં આગળ આવી દાન આપે જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઓક્સિજનનો જથ્થો લાવીને તેની સારવાર કરી શકાય.