- બનાસકાંઠામાં કોરોનાના કેસમાં થયો વધારો
- મારું ગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોરે બનાસકાંઠાની મુલાકાત લીધી
- ડીસાના કર્મચારીઓ સાથે રાજ્ય પ્રધાને યોજી બેઠક
બનાસકાંઠાઃ કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ગામડાઓને કોરોનામુક્ત બનાવવા માટે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંગેની વિવિધ જવાબદારીઓ રાજ્ય પ્રધાનોને સોંપવામાં આવી છે. રાજ્ય પ્રધાન દિલીપ ઠાકોરે આ અભિયાનને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરની મુલાકાત લીધી હતી. આ સાથે જ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં લોકો બીમાર હોવા છતાં 3-4 દિવસ દરમિયાન સારવાર નથી લેતા
કોરોનામાંથી લોકોને ઉગારવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે, જે અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે આ અભિયાન હેઠળ મંગળવારે રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ડીસા અને પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો સાથે બેઠક યોજી કોરોના અંગે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો દવા કરતા દુઆમાં વધુ માને છે અને તેથી જ બીમાર હોવા છતાં પણ શરૂઆતના 3-4 દિવસ દરમિયાન સારવાર લેવા દવાખાને પણ જતા નથી તેના કારણે કોરોનાનું સંક્રમણ વધતું રહે છે અને બીમાર વ્યક્તિ પણ વધુ બિમારીમાં સપડાય છે ત્યારે લોકોને દુઆની સાથે સાથે દવા લેવાનું પણ દિલીપ ઠાકોરે આહ્વાન કર્યું છે.