બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી ખાતે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આયોજિત 1008 વિશેષ સમૃદ્ધ વિવાહનું આયોજન GMDC ગ્રાઉન્ડ અંબાજી ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં 35 વર્ષની ઉંમરથી લઇને 100 વર્ષ સુધીના જેમને બે થી ચાર જેટલા સંતાનો હોવા છતાં તેઓ અગ્નિની સાક્ષીએ વિવાહ કરીને સોળમો સંસ્કાર પ્રાપ્ત કર્યુ હતું. આ સમુહ લગ્નોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તથા રાજસ્થાનના સિરોહી તથા ઉદયપુર જીલ્લાના 802 લગ્નના માંડવે હિન્દુ શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે ફેરા ફર્યા હતા.
તેની પુર્વે અંબાજી શહેરમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો વરઘોડામાં જોડાયા હતા. જેને લઇ ડુંગરી ગરાસિયા સમાજમાં ભારે અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો આ સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી કુવારાઓના સમુહ લગ્નોત્સવ કરે છે. પણ આ વખતે એક ઐતિહાસીક ઘટના કહી શકાય તેવા છાનેમાને વગર વિધિએ પરણેલાને જેમને સંતાનો હોય તેવા પ્રકારનું કુવારાનુ મહેણુ ભાંગવા આ લગ્ન મેળાવડો યોજાયો હતો.