- ડીસાના કંસારીમાં ભારે વરસાદથી 300 ખેતરો બેટમાં ફેરવાયા
- મગફળીના ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા ખેડૂતોને કરોડોનું નુકસાન
- વરસાદી પાણીમાં ડૂબતા યુવકનું મોત
બનાસકાંઠા: જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને ડીસામાં રવિવારે વહેલી સવારે ત્રણ કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેને કારણે અનેક નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું છે. આખોલ હાઈવે પર આવેલી સો જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયું હતું. આ સિવાય કંસારીના આજુબાજુના વિસ્તારોમાં પણ ધમાકેદાર વરસાદને કારણે તબાહી સર્જાઇ છે. અહીં ગામમાં જવાનો મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. કેટલીક જગ્યાએ તો લોકોએ પોતાના ખેતરમાં આવેલા ઘરે જવા માટે પણ હોડીનો ઉપયોગ કરવો પડ્યો છે. અગાઉ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને હવે મોડે મોડે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં થોડો ઘણો જે પાક તૈયાર થયો હતો, તેમાં પણ નુકસાન થયું છે. કંસારી પંથકમાં અંદાજિત 300 જેટલા ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકશાન આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન, ડીસામાં મગફળીના પાકમાં સૌથી વધુ નુકસાન
વરસાદી પાણીથી અનેક રસ્તાઓ થયા બંધ
ડીસા તાલુકામાં ત્રણ કલાકમાં જ ધોધમાર વરસાદ પડ્યો હતો. લાંબા સમયના વિરામબાદ સવારથી શરૂ થયેલા વરસાદને કારણે અને ગ્રામિણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી હતી. ડીસા તાલુકામાં આજે વહેલી સવારે શરૂ થયેલા વરસાદને કારણે માત્ર થોડા જ કલાકોમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. જેના કારણે ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ પર પાણી વહેતું થતા રસ્તાઓ બંધ થયા હતા. ડીસા તાલુકાના શેરપુરા જવાના રસ્તા પર વરસાદી પાણી વહેવા લાગતા રસ્તો બંધ થયો હતો. આ રસ્તો શેરપુરાથી ૨૫ ગામોને જોડતો રસ્તો છે અને આજે સવારે શરૂ થયેલા વરસાદને કારણે મોટાભાગનું પાણી રસ્તા પરથી પસાર થતું હતું. જેના કારણે અહીંથી તમામ અવર જવર બંધ થઈ ગઈ હતી. મોટાભાગના ખેડૂતો આ રસ્તા પરથી પસાર થતા હોય છે પરંતુ આજે આ પાણીના કારણે રસ્તો બંધ થતાં ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાક પણ નષ્ટ થઈ ગયો હતો. ચોક્કસથી કહી શકાય કે, ખેડૂતો એક તરફ વરસાદ ખેંચાતા નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આજે શરૂ થયેલા વરસાદને કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકશાન આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ
પાણીમાં ડૂબતા યુવકનું મોત
ડીસા પંથકમાં ધોધમાર વરસાદને કારણે બાઈવાડા ગામમાં આવેલું નાઈનેસર તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું. 2017 બાદ ચાર વર્ષ પછી ફરી એકવાર ગામનું સૂકું ભઠ્ઠ તળાવ ઓવરફ્લો થતા જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તે દરમિયાન રમેશ ઠાકોર નામનો યુવક પણ તળાવ જોવા માટે આવ્યો હતો અને અચાનક તેનો પગ લપસી જતાં તે તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તો આજુબાજુના લોકોએ તેને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે ગામના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. તેવામાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પાણી ભરાયેલા તળાવ, નદી કે નાળાંથી દૂર રહેવા માટે તંત્રએ ગ્રામજનોને અપીલ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકશાન