- ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન
- નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા નવો વળાંક
- નગરપાલિકામાં મોટાપાયે ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર
ડીસા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો
બનાસકાંઠા: જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર ખાતે યોજાનારી ચૂંટણીને લઇ દરેક પક્ષ પોતાની જીત માટે આવશે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત 5 વર્ષમાં આ ત્રણેય નગરપાલિકામાં ભાજપનું બહુમતીથી શાસન આવ્યું હતું અને ભાજપે પોતાના શાસનકાળ દરમિયાન અનેક વિકાસના કામો પણ કર્યા હતાં, પરંતુ મુખ્યત્વે ભાજપના જ સભ્યોએ ભાજપ સામે આવી જતા મોટો વિવાદ સર્જાયો હતો અને જેના કારણે ડીસા અને પાલનપુર નગરપાલિકામાં વિકાસના કામો અટવાયા હતા. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં ભાજપ શાસનમાં કરોડો રૂપિયાના ખર્ચે ડીસા શહેરના સુખાકારી માટે કામો કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ડીસા શહેરને સુંદરતા પણ મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણ માળીયે બગીચો બનાવ્યો હતો, પરંતુ ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટરો અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ પ્રમુખ પ્રવીણ માળીનો વિરોધ કરતા આખરે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બગીચો હાલ બંધ હાલતમાં પડ્યો છે.
બનાસકાંઠામાં ચૂંટણી પહેલાં નવો વળાંક
બનાસકાંઠા જિલ્લામાં જેમ જેમ નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ-તેમ રોજેરોજ નવા નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ડીસામાં ગત ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા, જે બાદ ભાભરમાં 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપનો છેડો તોડી કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાં જ ભાજપના સભ્યોમાં વિરોધના કારણે હાલમાં ભાજપને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં પણ 5 વર્ષના શાસનકાળ દરમિયાન શરૂઆતથી જ ભાજપના ચૂંટાયેલા સભ્યો આમને સામને જોવા મળ્યા હતા. જેમાં નગરપાલિકા દ્વારા ડીસા શહેરના વિકાસ માટે બોલાવવામાં આવતું બોર્ડ હંમેશા વિરોધ પક્ષની ભૂમિકા ભાજપના સભ્યો જ નિભાવતા હતા. જેના કારણે આ ચૂંટણીમાં ભાજપના સભ્યો અલગ-અલગ પ્રકારે પોતાના ચૂંટણી પ્રચાર કરતા નજરે જોવા મળી રહ્યા છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો કોંગ્રેસે ઉમેદવારની શોધખોળ શરૂ કરી
ડીસા નગરપાલિકાની યોજાનારી ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે હાલમાં ભાજપમાં નવો ભૂકંપ સર્જાયો છે. ગત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૂંટણીમાં જીત માટે ભાજપના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જેના કારણે જ ભાજપે કોંગ્રેસને હરાવી 44 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારોને જીત અપાવી નગરપાલિકા પર શાસન મેળવ્યું હતું. જેના કારણે પાંચ વર્ષ સુધી ડીસા નગરપાલિકામાં કોંગ્રેસે પોતાની હાર સ્વીકારવાનો વારો આવ્યો હતો, પરંતુ આ 5 વર્ષના ભાજપ શાસન કાળ દરમિયાન વિપક્ષની ભૂમિકા ભાજપના જ સભ્યોએ નિભાવી હતી. જેના કારણે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ગત ટર્મમાં નગરપાલિકામાં પ્રમુખ રહી ચુકેલા પ્રવીણ માળી તેમજ અન્ય દિગ્ગજ ઉમેદવારો ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આ વખતે કહી શકાય કે, નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થઇ શકે તેમ છે. ગત ટર્મમાં જે નગરપાલિકાના સભ્યોએ પોતાની વિસ્તારમાંથી પેનલ બનાવી ભાજપને જીતાડવા મહત્વની ભૂમિકા ભજવી હતી તે જ સભ્યો આ વખતે ચૂંટણી લડવા માટે તૈયાર નથી. જેના કારણે ભાજપને નુક્સાન થઇ શકે તેમ છે. બીજી તરફ કોંગ્રેસ તેનો સીધો લાભ લઈ હાલ તમામ વિસ્તારોમાં સારા ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે.