- બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત
- ગૌશાળા અને પાંજરાપોળ માં મુશ્કેલીમાં વધારો
- બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ૨૫ ટકા વરસાદ
બનાસકાંઠાઃ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું શરુ થઈ ગયું હોવા છતાં હજુ સુધી જોઈએ તેટલો વરસાદ થયો નથી. અડધું ચોમાસું ગયું છે તેમ છતાં અત્યાર સુધી માત્ર 25 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતો અને ગૌશાળા અને પાંજરાપોળમાં અસર જોવા મળી રહી છે. વરસાદ ન પડતાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે. દર વર્ષે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લો હરિયાળો બનતો હતો, પરંતુ આ વર્ષે શ્રાવણ પૂરો થવા આવ્યો પણ વરસાદ ન પડતાં પરિસ્થિતિ વિકટ બની રહી છે.
ઘાસચારાની અછત
બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન સાથે પણ જોડાયેલો જિલ્લો છે, પરંતુ વરસાદ ખેંચાતાં ઘાસચારાની મોટી અછત જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારાને જોઈએ તેટલું પાણી મળ્યું નથી જેથી હાલમાં ઘાસ સુકાઈ રહ્યું છે. જેથી ઘાસચારાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પહેલાં જે ઘાસ 4 રૂપિયાના ભાવે મળતું હતું તે હાલ 12 રૂપિયા થઈ જતાં પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
ગૌશાળાની પરિસ્થિતિ કફોડી બની
ઓછા વરસાદની માઠી અસર 165 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ પર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી 165 જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં 75 હજાર જેટલું પશુધન છે અને તેના નિર્વાહ માટે રોજેરોજ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને ઘાસચારાની જરૂર પડતી હોય છે. પરંતુ વરસાદની અછતના કારણે બહારથી આવતો ઘાસચારો ઓછો થઈ જતાં ભાવ વધ્યાં છે. કોરોના વાયરસની મહામારીમાં પણ ગૌશાળાના સંચાલકોએ આંદોલન કરી સરકાર પાસેથી માંડ માંડ સહાય મેળવી હતી ત્યારે આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ હજુ સુધી વરસાદનું આગમન ન થતાં ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. આ અંગે કાંટ પાંજરાપોળના સંચાલક જગદીશભાઈ પઢીયારે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ડીસા તાલુકામાં વરસાદની અછતના કારણે સૌથી વધુ ઘાસચારાની અછત સર્જાઈ છે. જેના કારણે પશુધનનો નિર્વાહ કરવો મુશ્કેલ છે.
ઘાસચારા માટે આવેદનપત્ર
વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ઓગસ્ટ માસના અંત સુધીમાં જિલ્લામાં ફક્ત 28 ટકા વરસાદ થયો છે. જેના કારણે લીલા તેમજ સૂકા ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ ડીસા મામલતદાર એ. જે. પારગીને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પૂરી પાડવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઘાસચારાની સગવડ પૂરી પાડવામાં નહીં આવે તો આવનારા સમયમાં મોટા પ્રમાણમાં પશુધન મરે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
આ પણ વાંચોઃ કોરોનામાં ગૌશાળાની હાલત કફોડી : બાળકોએ ગાયો માટે સહાય આપી