- બનાસકાંઠા જિલ્લામાં પાંચ સ્થળ પર કોરોના વેક્સિનનું ડ્રાય રન કરાયું
- કોરોના વેક્સિન આપતા સમયે કયા પડકારો આવે છે તે જાણવા કરાયું ડ્રાય રન
- સાગ્રોસના, વેડંચા, ભૂતેડી, વરનોડા અને પાંચડા સેન્ટર પર કરાયું ડ્રાય રન
- 25 હેલ્થ સ્ટાફના રજિસ્ટ્રેશન સહિત તેમના નામ સોફ્ટવેરમાં ઉમેરાયા
બનાસકાંઠાઃ રાજ્યમાં હાલમાં કોરોના વેક્સિનેશન અંગે ડ્રાય રન ચાલી રહ્યું છે. મોટા ભાગના ડ્રાય રન સફળ રહ્યા છે. ત્યારે હવે બનાસકાંઠામાં પણ પાંચ જગ્યા પર વેક્સિનેશન અંગે ડ્રાય રન યોજાયો હતો. 2 સ્વદેશી કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. એટલે હવે સમગ્ર દેશવાસીઓ વેક્સિનને લઈને ખુશ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના સાગ્રોસના, વેડંચા, ભૂતેડી, વરનોડા અને પાંચડા એમ કુલ પાંચ પીએચસી સેન્ટરમાં 25 હેલ્થ સ્ટાફ પર વેક્સિનની સમગ્ર પ્રોસેસનું ડ્રાય રન યોજાયું હતું.
મતદાન કેન્દ્રની જેમ વેક્સિન આપવાની અલાયદી પ્રોસેસ
વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયાનું સરકાર દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠામાં યોજાયેલા આ ડ્રાય રનમાં આરોગ્ય કર્મચારીઓને કોરોના વેક્સિનમાં કઈ રીતે નામ રજિસ્ટર્ડ કરાવવું, વેક્સિન કઈ રીતે આપવી તે અંગે સમજ આપવામાં આવી હતી. જ્યારે વેક્સિન લીધા પછી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતની પણ ઝીણવટભરી ટ્રેનિંગ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન આપવા હાલ 4 ફ્રિઝ અપાયા છે.
વેક્સિન લીધા પછી 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે
વેક્સિનેશનની આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણીના બૂથ જેવી પ્રક્રિયા છે, જેમાં વેક્સિન લેનારા માટે ત્રણ અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ બૂથમાં વેક્સિન લેનારાનું નામ રજિસ્ટર્ડમાં નોંધાશે. બીજા રૂમમાં વેક્સિન આપશે. જ્યારે ત્રીજા રૂમમાં વેક્સિન લેનારાને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે. બનાસકાંઠામાં યોજાયેલી આ ડ્રાય રનમાં આ સમગ્ર પ્રોસેસ હેલ્થ સ્ટાફ સાથે કરી તેમને સફળતાપૂર્વક બધી જ બાબતોની સંતોષકારક જાણકારી અપાઈ હોવાનું જિલ્લા હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.