- તાજેતરમાં પાલનપુરથી જ પ્રકાશમાં આવ્યો હતો લવ જેહાદનો કિસ્સો
- જિલ્લાના હિન્દુ યુવા સંગઠન દ્વારા લવ જેહાદનો કડક કાયદો બનાવવાની માગ
- ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ કાયદો બનાવવાની માગ
બનાસકાંઠામાં હવે લવ જેહાદનો કાયદો બનાવવાની માગ વધુ ઉગ્ર બની છે.જિલ્લા મથક પાલનપુર ખાતે હિન્દુ યુવા સંગઠને આજે કલેક્ટરને આવેદનપત્ર આપી વધતાં જતાં લવ જેહાદના બનાવોને અટકાવવા લવ જેહાદનો કડક કાયદો બનાવવા મક્કમ રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં લવ જેહાદનો કાયદો બનાવવાની માગ વધુ ઉગ્ર બની હિન્દુ સંગઠન દ્વારા કલેકટરને આપ્યું આવેદનપત્ર
સમગ્ર ગુજરાતની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ હવે લવ જેહાદના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં વિધર્મીઓ દ્વારા યુવતીઓને પ્રેમઝાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.તાજેતરમાં જ પાલનપુર આર ટી ઓ ઓફીસમાં નોકરી કરતો યુવક અને અન્ય ધર્મની યુવતી બન્નેએ એકબીજા સાથે ઘરેથી ભાગી લગ્ન કરી લીધાં હતાં. આ બાબતે હિન્દુ સંગઠનોએ ઉગ્ર રજૂઆતો કરી યુવક યુવતીને ઝડપી લેવા જિલ્લા પોલીસને 15 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. પોલીસે પણ બન્ને યુવક યુવતીને ઝડપી લેતાં મામલો થાળે પડ્યો હતો. આ ઘટના બાદ હિન્દુ યુવા સંગઠને કલેકટરને આવેદનપત્ર આપી લવ જેહાદ મામલે કડક કાયદો બનાવવા માગ કરી હતી.
ઉત્તરપ્રદેશમાં છે લવ જેહાદનો કાયદો
લવ જેહાદના વધતાં જતાં બનાવોને અટકાવવા ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ લવ જેહાદનો કડક કાયદો બનાવાયો છે. ત્યારથી જ ગુજરાતમાં પણ લવ જેહાદ મુદ્દે કડક કાનૂન બનાવવાની માગ ઉઠવા લાગી છે. નોંધનિય છે કે, જે પ્રકારે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ વધવા લાગી છે. તે જોતાં ગુજરાતમાં પણ ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ કાયદો ઘડાય તેવી સંભાવનાઓ પણ નકારી શકાય તેમ નથી.