ગુજરાત

gujarat

બનાસકાંઠામાં સસ્તા દરનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

By

Published : Feb 22, 2021, 7:08 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી અનાજ માફિયાઓ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને માટે મોકલાતું સસ્તા દરનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ અંગેની માહિતી મળતા બનાસકાંઠા પૂરવઠા વિભાગે 5 દિવસ સુધી તપાસ કરી હતી. વિભાગને તપાસ દરમિયાન રૂ. 1.91 કરોડના ઘઉં અને ચોખાની ઘટ જણાતા જિલ્લા પૂરવઠા અધિકારીએ પાલનપુર પશ્ચિમ પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે.

બનાસકાંઠામાં સસ્તા દરનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
બનાસકાંઠામાં સસ્તા દરનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

  • જિલ્લા પૂરવઠા વિભાગ અને સ્ટેટ વિજિલન્સની ટીમને મળી હતી બાતમી
  • પાલનપુરમાં રેલવે ગોડાઉનમાં 5 દિવસો સુધી ચાલી હતી તપાસ
  • ઘઉંની 12776 અને ચોખાની 2473 બોરીની ઘટ પ્રકાશમાં આવી
  • કુલ 1 કરોડ 91 લાખ 84 હજાર 690 રૂપિયાની ઉચાપતની નોંધાઈ ફરિયાદ
  • ગોડાઉન મેનજર નાગજી રોત સામે નોંધાઈ છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ

બનાસકાંઠાઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બે ટંકનું અનાજ સરળતાથી મળી રહે તે માટે સસ્તા દરે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા રેલવે મારફતે અનાજ ગોડાઉનોમાં પહોંચાડવામાં આવતું હોય છે. ત્યાંથી આ અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) મારફત જિલ્લાની પ્રત્યેક ગામોની રસ્તા અનાજની દુકાનોમાં ટ્રક મારફત પહોંચડવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે મોકલાતું અનાજ પચાવી પાડતા હતા

ગરીબો માટેનું આ અનાજ બનાસકાંઠા જિલ્લામાં ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાને પહોંચે તે પહેલાં જ ખવાઇ જાય છે. જેની માહિતી મળતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનથી પૂરવઠા વિભાગ અને સ્ટેટ વિજિલન્સ ટીમે પાલનપુરમાં અનાજ ગોડાઉનમાં 5 દિવસ સુધી સતત તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ઓક્ટોબર 2020થી જાન્યુઆરી 2021 ઘઉંની 12 હજાર 776 બોરી, જ્યારે ચોખાની 2 હજાર 443 બોરી ઓછી હોવાનું જાણવા મળતાં તંત્ર ચોંકી ઊઠ્યું હતું. આ મામલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને જાણ કરતા તેમણે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ગોડાઉન મેનેજર નાગજીભાઈ પી. રોતને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ બાદ વધુ કાર્યવાહી કરાશે.

ઘઉંની 12776 અને ચોખાની 2473 બોરીની ઘટ પ્રકાશમાં આવી
ઊંડાણપૂર્વકની તપાસ કરાશેઃ એએસપી

કરોડો રૂપિયાનું અનાજ સગેવગે થયું હોવાથી કલેક્ટરના આદેશથી આરોપી સામે અનાજની ઉચાપત કરવાની ફરિયાદ જિલ્લા પૂરવઠા અધિકારીએ નોંધાવી છે. આ અંગેની તપાસ ચલાવતા એએસપી સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આરોપીને પકડી ઊંડાણપૂર્વક ન્યાયિક તપાસ કરાશે.


મોટા માથાઓ પણ આવી શકે છે સકંજામાં

નોંધનીય છે કે, બનાસકાંઠામાં છેલ્લા કેટલાય વર્ષોથી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ અનાજ માફિયાઓ ચલાવી રહ્યા છે. ત્યારે જો આ મામલાની ઊંડાણપૂર્વક તટસ્થ તપાસ થશે અનેક મોટાં માથાઓ પણ પોલીસ સકંજામાં આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details