બનાસકાંઠાઃ જિલ્લામાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ક્યાંક લોકો દારૂના નશામાં હત્યા કરી રહ્યા છે, તો ક્યાંક રૂપિયાની લેવડ-દેવડમાં હત્યા કરી રહ્યા છે. આમ સતત વધી રહેલા હત્યાના બનાવોથી બનાસકાંઠા જિલ્લો લોહિયાળ સાબિત થઈ રહ્યો છે.
બનાસકાંઠાના માણેકપુરા ગામે પતિએ કરી પત્નીની હત્યા - ડીસાના તાજા સમાચાર
ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં દારૂના નશામાં ધૂત બનેલા પતિએ ધારીયાના ઘા મારી પત્નીની નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જેથી ડીસા પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે.
ડીસા તાલુકાના માણેકપુરા ગામના માલજી લખુજી ઠાકોરના લગ્ન ડીસાના નેસડા ગામના ગજરાબેન ઠાકોર સાથે થયા હતા. બુધવારે સાંજે 7 વાગ્યાના સુમારે માલજી લાખુજી ઠાકોરે કોઇ અગમ્ય કારણોસર ધારીયા વડે પોતાની પત્ની ગજરાબેન માલજી ઠાકોરના ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. જો કે, ગુરુવારે આ અંગેની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં ડીસાના DySp ડૉ. કુશલ ઓઝા, ડીસા તાલુકા PI એમ.જે.ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
આ અંગે મૃતકના ભાઇ સોમાજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે માલજી લખુજી ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી તેની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.