સૌ પ્રથમવાર યોજાયો અશ્વ શો, દેશભરમાંથી 180 અશ્વોએ લીધો ભાગ - Palanpur Horse Show 2019
બનાસકાંઠાઃ રાજા રજવાડાઓની શાહી સવારી અને યુદ્ધમાં કાબેલિયત દાખવતા ઘોડાઓનું મહત્વ આજના યાંત્રિક યુગમાં ઓછું થઇ ગયું છે, ત્યારે આજે પણ અશ્વના ઉછેર અને સંવર્ધનનું કામ અશ્વપ્રેમીઓ કરતા હોય છે. જેને લઈને પાલનપુર ખાતે પ્રથમવાર અશ્વ શોનું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી 180 અશ્વોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
ભારતભરમાં વિવિધ અશ્વ શોનું આયોજન પણ થતું હોય છે, ત્યારે પાલનપુરમાં ગુજરાતના સૌથી મોટા નેશનલ લેવલના સ્ટડ ગ્લોરી મારવાડી અને કાઠીયાવાડી અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતુંં. જેમાં સમગ્ર ભારતમાંથી 180 ઉપરાંત અશ્વ માલિકોએ પોતાના ઘોડાઓને લઈને અશ્વ શોમાં ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આટલા મોટા અશ્વ શોનું આયોજન થયું હતું. જેમાં પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ઊંચી જાતના અને ઊંચી નસલના ઘોડાઓને લઈ અશ્વ માલિકો આવ્યા હતા. આ સ્પર્ધામાં કાઠીયાવાડી અને મારવાડી ઘોડા તેમજ ઘોડીઓ વછેરા, વછેરીઓ જેમાં અદાંત વછેરા, અદાંત વછેરીઓ, બેેેેદાંત વછેરા તેમજ બેદાંત વછેરીઓની સ્પર્ધા યોજાઈ હતી.