બનાસકાંઠાઃ વર્તમાન સમયમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે આજે ડીસાના આરોગ્ય વિભાગે આયુર્વેદ પધ્ધતિથી લોકોની સારવાર કરવાની શરૂઆત કરી છે. કારણ કે, કોરોનાની હજુ સુધી નથી તો કોઈ દવા શોધાઈ કે નથી કોઈ રસી, ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર શરૂ કરી છે.
કોરોના વાઈરસના વધતા કેસને ટાળવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું - બનાસકાંઠા ન્યૂઝ
ડીસામાં અત્યારસુધીમાં કોરોનાના 14 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ કેસની સંખ્યામાં વધારો ન થાય તે માટે આરોગ્ય વિભાગે આજથી હોમિયોપેથી અને આયુર્વેદ પધ્ધતિનો સહારો લીધો છે. આજથી ડીસાની મોડેલ સ્કૂલમાં સરકારી ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા લોકોને ઉકાળાનું વિતરણ કરવા ઉપરાંત હોમિયોપેથીની દવાનું વિતરણ કરાયું હતું.

આજે ડીસાની મોડેલ સ્કૂલ પર ડીસાના આરોગ્ય વિભાગના ડો. જિગ્નેશ હરિયાણી, ડો.કૃષ્ણકાન્ત દેલવાડીયા અને ડો. જિનલ પટેલે પહોંચી મોડેલ સ્કૂલમાં સરકારી ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા લોકોને સોસિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે ઉકાળાનું વિતરણ કર્યું હતું. સાથે જ ડીસાના સરકારી હોમિયોપેથી તબીબ ડો.અંજુમન નાગોરી દ્વારા આપવામાં આવેલી હોમિયોપેથી ટેબલેટનું વિતરણ કરાયું હતું.
ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યુ હતું કે, કોરોનાની બીમારી વચ્ચે ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા લોકોની ઇમ્યુનિટી બુસ્ટ થાય તે માટે તેમને આયુર્વેદિક ઉકાળા આપવામાં આવી રહ્યો છે.