બનાસકાંઠાઃ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. દરેક તાલુકામાં એવરેજ રોજનો 3થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. ખાસ કરીને દિયોદર અને કાંકરેજ તાલુકામાં બે દિવસથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ગામડાઓમાં ઘરોની અંદર પાણી ઘુસી ગયા છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી - ઈટીવી ભારત
બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે. દિયોદર અને કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિયોદર તાલુકાના સોની ગામમાં પણ મુશળધાર વરસાદના કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ગામના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોની અંદર એક-બે ફૂટ જેટલું પાણી ઘુસી ગયું છે, જેના કારણે લોકોની ઘરવખરીને નુકસાન થવા પામ્યું છે.
કાંકરેજ તાલુકાના વાલપુરા ગામમાં પણ લોકોને ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો છે, ભારે વરસાદના પગલે વાલપુરા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘુસી ગયા છે. 2 ફૂટ જેટલું પાણી ઘરમાં ઘુસી જતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ કોરોનાનો કહેર છે અને બીજી તરફ ભારે વરસાદના પગલે ઘરમાં પાણી ઘુસતાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.