ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદથી ચોમાસું પાક નષ્ટ, સરકાર પાસે સહાયની માંગ - ડીસા તાલુકામાં વરસાદ

બનાસકાંઠાના કંસારી પંથકમાં રવિવારે આવેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 24 કલાક બાદ પણ ખેતરોમાં 500 વિઘા જમીનમાં પાણી ભરાઇ રહેતા મગફળી, કપાસ, બાજરી સહિતના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.

Heavy rains in Deesa taluka destroyed crops
Heavy rains in Deesa taluka destroyed crops

By

Published : Sep 27, 2021, 8:58 PM IST

  • ડીસા તાલુકો ભારે વરસાદથી સર્વત્ર પાણી-પાણી
  • ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
  • સર્વે કરાવી તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતોની માંગ

ડીસા, બનાસકાંઠા :તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા હતા, ત્યારે રવિવાર સવારથી જ મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પડ્યો હતો. રવિવારે શરૂ થયેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત પાંચ કલાક સુધી પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, જિલ્લામાં વધુ પડતા વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. વરસાદના કારણે સૌથી વધુ કપરી પરિસ્થિતિ ખેડૂતોની સર્જાઈ છે, વરસાદી પાણીના કારણે ખેડૂતોને પોતાના પાકમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે.

ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદથી ચોમાસું પાક નષ્ટ

ડીસા તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણીથી મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં લાંબા અંતર બાદ આવેલા વરસાદે અનેક જગ્યાએ ભારે તબાહી સર્જી છે. જેમાં રવિવારે ડીસા પંથકમાં પણ બે કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે કંસારી, ફુવારાપાદરા, દામાં, સેરપુરા, લક્ષ્મીપુરા સહિતના ગામની આજુબાજુના અનેક ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. આ વિસ્તારમાં ખેડૂતોએ મગફળી, કપાસ અને બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું. અગાઉ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેતરોમાં વાવેલો 30 ટકા જેટલો પાક બળી ગયો હતો, પરંતુ બાદમાં આવેલા વરસાદે બચેલા પાકને નવજીવન બક્ષ્યું હતો અને હવે જ્યારે ખેડૂતોનો બચેલો પાક તૈયાર થઈ જવાની કગાર પર આવ્યો ત્યારે, વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવી લીધો છે.

500 વિઘા જમીનમાં પાક નષ્ટ

ડીસા તાલુકાના ફુવારાપાદરા, દામાં, સેરપુરા, લક્ષ્મીપુરા, કંસારી ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલા હોવાથી અને બાજુમાં હાઈવે રોડ ઊંચાઈ પર બનાવવાના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. 2015 અને 17 માં પણ આવેલા વિનાશક પૂરના કારણે અહીં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, તે બાદ આ વર્ષે ફરીથી રવિવારે ખાબકેલા વરસાદે અહીંના ખેતરોને બેટમાં ફેરવી દીધા છે અને 24 કલાક બાદ પણ ખેતરોની અંદર હજુ પણ 3થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે.

ખેડૂતોને 4થી 5 કરોડ રૂપિયાનું નુકસાન

ખેતરમાં તૈયાર થયેલા કપાસ અને મગફળી જેવા પાક પણ પાણીમાં તરી રહ્યા છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી દિવસ-રાત ખેતમજૂરી કરી પાક તૈયાર કર્યો હતો અને સારી આવક મળશે, તેવી આશા સેવી હતી, પરંતુ ખેડૂતોની આ આશા પર વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે પાણી ફેરવી દીધું છે. કંસારી ગામની આજુબાજુના 500 વીઘા જમીનમાં આ જ પરિસ્થિતિ છે, જેથી ખેડૂતોને અંદાજે 4થી 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય તેવો અંદાજ છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details