બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે વહેલી સવારથી જ ભાભર, દિયોદર, કાંકરેજ અને વડગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભાભરમાં ૬ કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ભારે વરસાદના પગલે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયુ હતું.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી - બનાસકાંઠા સમાચાર
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે સવારથી જ સર્વત્ર વરસાદ શરૂ થયો હતો અને ધીમે-ધીમે આ વરસાદની ગતિ વધતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે છ કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
![બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4615055-thumbnail-3x2-varsad.jpg)
તેમજ ભારે વરસાદને કારણે દોઢથી બે ફૂટ જેટલા પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની હતી. ઘરમાં રહેલો સામાન પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. એક તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતીપાક સાફ થઈ ગયો છે જ્યારે બીજી તરફ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.
જ્યારે કાંકરેજ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. થરા હારીજ હાઇવે પણ ભારે વરસાદના પગલે બંધ થઈ ગયો છે. રોડ પર આવેલ ડીપ પર 5 ફૂટ જેટલું પાણી વહેતું થતાં જ આ રોડ પરનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. રોડ બંધ થતાં જ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.