કારતક સુદ પૂનમ એટલે દેવદિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે. દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે. જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવે છે.
બનાસકાંઠા: ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું - hinglaj temple
બનાસકાંઠાઃ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહા મેળો ભરાય છે. આ મેળામાં આજે મોટી સંખ્યામાં આવેલા લોકોએ હિંગળાજ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ધનકવાડા ગામે આવેલી હિંગળાજ માતાના મંદિરનો ઇતિહાસ એવો છે કે, વર્ષો પહેલા ધનકવાડા નજીકનાં રેલવે સ્ટેશન પાસે આવેલ ગૌચરની જમીનમાં માતાજીની મૂર્તિ છે, તેવું સ્વપ્ન એક પટેલ પરિવારના ભાઈને આવ્યું હતું. સપનામાં દેખાયેલા સ્થળે ખોદકામ કરવાથી જમીનમાં મૂર્તિ મળી આવતા તે દિવસથી તે જગ્યા પર મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિર 500 વર્ષ જુનું છે. આજથી પાંચસો વર્ષ પહેલા નારણભાઈ દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા ગોળ સાકર અને નારિયેળ ખાસ પ્રસાદરૂપે ચઢાવવામાં આવે છે.
આ અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, આ મૂર્તિની સ્થાપના વિક્રમ સવંત 1630 સાલમાં કરવામાં આવી હતી. આજે પણ હિંગળાજ માતાની મૂર્તિ નીચે એક લેખ લખેલ છે. જેમાં ઉલ્લેખ છે કે, હાથીજી દરબાર હતા તેમણે ગામના લોકોના સાથ સહકારથી આ મૂર્તિની સ્થાપના તે સમયે કરી હતી. પહેલા આ જગ્યા પર નાનું મંદિર હતું. પરંતુ સમય જતા આ મંદિરની જાણ આજુબાજુના લોકોને થતા લોકોએ મંદિર મોટું બનાવી દર વર્ષે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે.
માં હિંગળાજના દર્શન કરવા માટે હજારો કિલોમીટર દૂરથી લોકો આવે છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ધનકવાડા આગથળા તેમજ લાખણાસર ગામે ભરાયેલા ભાતીગળ મેળામાં દૂરદૂરથી લોકોએ આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિરે વર્ષોથી કોઇ અનિચ્છનીય ઘટના બનતી નથી. અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવે છે. છતાં પણ કોઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો નથી. આજે યોજાયેલા આ મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.