- પાલનપુરમાં બે ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા
- અનિયમિતતા અને ક્ષતિઓ જણાતા 2 સોનોગ્રાફી મશીન સીલ કરાયા
- હોસ્પિટલના તબીબો સામે કડક કાર્યવાહી થશે
- આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી અન્ય ડૉક્ટરોમાં ફફડાટ
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાનગી હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ બાબતે અનેક ફરિયાદો ઉઠી હતી. જેને પગલે આજે શુક્રવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી અને તેમની ટીમે પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં દરોડા પાડયા હતા. ન્યુ મહેશ્વરી અને પૃથ્વી હોસ્પિટલ નામની બે હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનની કામગીરીની તપાસ કરતા અનિયમિતતા અને ક્ષતિઓ જણાઈ હતી. બંને હોસ્પિટલના તબીબો સોનોગ્રાફી માટે ફોર્મ એફ ભર્યું નહોતું તેમજ સોનોગ્રાફી માટેની પાવતી કે રજીસ્ટર પણ નિભાવ્યું ન હતું. જેથી આરોગ્ય વિભાગે આ બંને હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા. તેમજ હોસ્પિટલના સંચાલક ડૉ.દર્શન કેલા અને ડૉ. પ્રકાશ દેસાઇને આ મામલે નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હોસ્પિટલના તબીબો સામે કડક કાર્યવાહી
અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણ કરતા તબીબ સમે કાર્યવાહી કરી ફરિયાદ કરેલી છે. તેમ છેતા કેટલાક તબીબો હજુ પણ સુધરતા નથી. જેથી ગાયનેક હોસ્પિટલમાં અચાનક દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની તબીબો સામે કડક કાર્યવાહીથી અન્ય ખાનગી હોસ્પિટલના તબીબોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.