બનાસકાંઠાઃ કોરોના મહામારીને નાથવા માટે દેશમાં લાદવામાં આવેલા 2 મહિના કરતાં વધારાના લોકાડઉન બાદ સરકારે અનલોક-1માં છૂટછાટ આપી છે. જે અંતર્ગત 8 જૂનના રોજ રાજ્યના ધાર્મિક સ્થળો ખોલવા માટે પરવાનગી આપી દેવામાં આવી હતી, પરંતુ તીર્થસ્થળ અંબાજીનું મંદિર હજૂ ખોલવામાં આવ્યું નથી. જેને આજે 12 જૂનથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માઁ અંબાના દર્શનની રાહ જોઈને કરોડો ભક્તો બેઠા છે. જેથી આ તમામ ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરાવવા માટે આજથી માતાનું મંદિર ખોલવામાં આવ્યું છે.
માઁ અંબાના મંદિરે યાત્રિકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં, તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. એટલું જ નહીં અંબાજી આવતા ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં સરળતાથી માતાજીના દર્શન કરી શકે, તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
માતાના દર્શન કરવા આવતા ભક્તો ઓનલાઈન તથા ઓફ લાઈન દર્શન માટે પાસ મેળવી શકશે. દર્શન કરવા આવનારા તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન માટેનું ટોકન લેવું પડશે. આ ઉપરાંત તમામ ભક્તોએ ફરજિયાતપણે માસ્ક પહેરીને મંદિરમાં પ્રવેશ લેવાનો રહેશે.