કમોસમી વરસાદને પગલે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા - latest news of ambaji
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની વિપરીત અસર શાકભાજીના ભાવ પર થઈ રહી છે. હાલમાં ડુંગળીના ભાવો 100ની આસપાસ પહોંચી રહ્યા છે. ત્યારે અન્ય શાકભાજી પણ મોંઘી બની રહી છે. ફુલાવર, કોબીજ, દૂધી, રીંગણ, મરચા જેવા શાકભાજી 30 થી 35 રૂપિયે કિલો, જ્યારે સિઝનેબલ શાકભાજી જેવી કે પાલક, મેથી, લીલા ધાણા સાથે ટમેટા 15 થી 20 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. જોકે આ તમામ શાકભાજીના ભાવમાં ડુંગળીએ ઉચ્ચસ્થાન મેળવ્યું હોય તેમ સૌથી મોંઘી એટલે કે 65 થી 70 રૂપિયે કિલો વેચાઈ રહી છે.
જો કે અંબાજી વિસ્તારમાં આવતી શાકભાજી મોટાભાગે રાજસ્થાન તરફથી આવે છે, જેમાં ગુજરાતના બજાર કરતા રાજસ્થાનના બજારમાં કીલોદીઠ 5 રૂપિયાનો ભાવનો ફરક પડે છે. એટલુંં જ નહિ ગુજરાતના બજાર 50 કિલોમીટર અને રાજસ્થાનના 20 કિલોમીટર દૂર પડતા હોવાથી ગુજરાતનું ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી જાય છે. અંબાજીમાં રોજિંદા 3 થી 4 હજાર કિલો વિવિધ શાકભાજી રાજસ્થાનથી લાવવામાં આવે છે. ઉપરાંત અંબાજી આવતા યાત્રિકો પણ શાકભાજી સસ્તી સમજી અંબાજીથી લઇ જવાનું પસંદ કરતાં હોય છે. અંબાજી વિસ્તારમાં રાજસ્થાન સિવાય આસપાસના ગામડામાં પાકતી શાકભાજી પણ આ વિસ્તારના આદિવાસી લોકો વેચવા આવતા હોય છે તેનો પણ સીધો લાભ ગ્રાહકોને મળતો હોય છે.