થરાદના એક ખેડૂત 2008થી વિવિધ બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લો એ રણને કાંધીએ અડીને આવેલો જિલ્લો છે. જેથી આ જિલ્લાને સૂકો ભટ્ટ માનવામાં આવે છે, પરંતુ આ સૂકા ભટ્ટ વિસ્તારમાં આવેલા થરાદના એક ખેડૂતે 23 વીઘા ખેતરમાં 600 છોડ ઇઝરાયેલ ખારેકના વાવી સફળ ખેતી કરી છે.
અનોખો સાહસિક ખેડૂત : થરાદના બુઢનપુર ખાતે રહેતા ધો 5 સુધી અભ્યાસ કરેલા 48 વર્ષીય અણદાભાઈ પટેલ ખેતીમાં અનોખી પહેલ કરી બતાવી છે. અણદાભાઈનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમની પાસે 40 એકર જમીન છે. પહેલા આ પરિવાર સીઝન આધારિત ખેતી કરતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણીનો મોટો પ્રશ્ન હોવાના કારણે આ ખેડૂતને સીઝન આધારિત ખેતીમાં ફાયદો ન થતા. ખેતીમાં બદલાવ લાવવાનું વિચાર્યું હતું. જ્યારે 2005માં થરાદ વિસ્તારમાં કૃષિ રથ આવ્યો ત્યારે અણદાભાઈ પટેલે બાગાયતી પાકની ખેતી કરવાની માહિતી મેળવી હતી. 2008 થી પોતાના ખેતરમાં બાગાયતી પાકની ખેતી શરૂ કરી. અણદાભાઈએ પોતાના ખેતરમાં દાડમ,જામફળ, એપલ બોર, આંબા સહિત ખારેકના છોડ વાવી બાગાયતી ખેતીના શ્રી ગણેશ કર્યા હતા.
અમે પહેલા વારસાગત બાપદાદાની જિલ્લા ચાલુ ખેતી કરતા હતા, પરંતુ જ્યારે PM મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે અહીં અમારે કૃષિ રથ આવ્યો હતો. એની સાથે અનેક કૃષિ વૈજ્ઞાનિકો હતા અને તેમને અમને કહ્યું કે, તમે આ જિલ્લા ચાલુ ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળો. અમે તમને તમામ માર્ગદર્શન પૂરું પાડીશું, ત્યારબાદ મેં બાગાયતી ખેતી કરવાનું શરૂ કર્યું અને મને સફળતા મળી. અત્યારે હું વર્ષે લાખ રૂપિયાની કમાણી બાગાયતી ખેતીમાંથી કરું છું. - અણદાભાઈ (ખેડૂત)
20થી 25 લાખની આવક : અણદાભાઈ પટેલે 2014માં પોતાના 23 વીઘામાં ઇઝરાયેલના બર્હિ જાતના 300 છોડ ખારેકના વાવ્યા હતા. જે બાદ 2018માં બીજા 300 વાવ્યા. એક છોડ જેની કિંમત 4 હજાર રૂપિયા છે. આમ પોતાના ખેતરમાં ખારેકના 600 છોડ વાવ્યા જેમાં 2018માં 300 છોડમાંથી ઉત્પાદનની શરૂઆત થયું હતું અને દર વર્ષે તેઓ ખારેકમાંથી 20થી 25 લાખ રૂપિયાની આવક મેળવે છે. ખારેકના 300 છોડ પર 40 ટન જેટલું ઉત્પાદન મેળવે છે. એક છોડ પરથી તેમને 150 કિલો ખારેકનું ઉત્પાદન મળે છે. આ અણદાભાઈએ પોતાના ખેતરમાં કરેલી ખારેકની ખેતી ઓર્ગેનિક રીતે ખેતી કરી છે.
સરહદી વિસ્તારમાં પહેલા પાણી ન હતું, તેથી ખેડૂતો ખેતી નતા કરી શકતા અને અત્યારે હવે સરહદી વિસ્તારમાં નહેર આવી છે. જેના કારણે ખેડૂતોને પાણી મળી રહે છે, એટલે તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બીજું એ કે ટપક પદ્ધતિ આવી છે. જેથી તેઓ બાગાયતી ખેતી પણ કરે છે. ખાસ તો ખારેકના પાકને સૂકું વાતાવરણ જોઈતું હોય છે. સરહદીય વિસ્તાર એટલે સુકો વિસ્તાર છે. જેથી જેને ખારેકના પાકને વાતાવરણ અનુકૂળ લાગે છે. તેથી ત્યાં ઉત્પાદન સારું મળે છે. ટીશ્યુ કલ્ચર ખારેકના પાકમાં સરકાર દ્વારા પ્રતિ હેક્ટરે 1250 રૂપિયા સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોને બાગાયતી પાકમાં સહયોગ થાય છે અને હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ખારેકની ખેતી થયેલી છે. - અનન્યા જોષી (અધિકારી, નાયબ બાગાયતી નિયામક)
ખેડૂતને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા :અણદાભાઈ પટેલની ખારેક ગુજરાત સહિત રાજસ્થાનમાં માંગ ઉઠવા પામી છે. તેમજ અનેક ગ્રાહકો તેમના ખેતરમાં આવી તેમની ખારેક લઈ જાય છે. 2008થી અણદાભાઈ પટેલે પોતાના ખેતરમાં અલગ અલગ બાગાયતી ખેતી કરી સારી એવી આવક મેળવતા થયા છે. જેથી સરકાર દ્વારા પણ તેમને સાતથી વધુ અલગ અલગ એવોર્ડ આપી સન્માનિત પણ કરાયા છે. આ ખેડૂતની બાગાયતી ખેતી જોઈ આજુબાજુના 50થી વધુ ખેડૂતોએ આ ખેડૂતની પ્રેરણા લઈ પોતાના ખેતરમાં ખારેકની ખેતી શરૂ કરી છે. સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.
- Kutchh Agriculture: કચ્છની ખારેકને હવે બાંગ્લાદેશમાં નો-એન્ટ્રી, 100થી વધુ ટ્રકમાં લાગી બ્રેક
- Kutch Horticulture: કચ્છની મીઠી મધ ખારેક દેશવિદેશમાં વેચશે FPO, વધશે આવક