રાજસ્થાન તરફથી આવેલું તીડનું ઝુંડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આતંક મચાવી રહ્યું છે. છેલ્લા 13 દિવસથી એક પછી એક કુલ બનાસકાંઠા જિલ્લાના 11 જેટલા તાલુકાઓમાં તીડના આક્રમણથી ખેડૂતોને નુકસાન થયું છે. આ બાબાતે બનાસકાંઠાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા 13 દિવસથી અવિરતપણે થઇ રહેલા તીડના આક્રમણથી જિલ્લામાં 6 હજાર હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ફરી એકવાર જિલ્લામાં તીડનું આક્રમણ થતાં થરાદના રડકા, નારોલી, વાઘાસણ જેવા ગામોમાં તીડ પર કાબુ મેળવવા માટે તંત્ર દ્વારા 100 ટ્રેક્ટર, 2 ફાલ્કન અને કેન્દ્રની 16 જ્યારે રાજ્યની 22 ટીમો કામે લાગી છે.
તીડ આક્રમણને રોકવા માટે તંત્ર સજ્જ, રાજ્યની 33 અને કેન્દ્રની 16 ટીમો કામે લાગી - આર. સી ફળદુ
પાલનપુરઃ સમગ્ર રાજ્યમાં તીડનો કહેર ખતમ થવાનું જાણે નામ લેતો નથી, ત્યારે જિલ્લામાં છેલ્લા 13 દિવસથી તીડનું આક્રમણ યથાવત છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. શુક્રવારે આ તીડ આક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા 100 ટ્રેક્ટર, 2 ફાલ્કન, કેન્દ્રની 16 અને રાજ્યની 33 ટીમો કામે લાગી છે.
જેને કારણે અત્યારસુધીમાં 25 ટકા જેટલા તીડ પર નિયંત્રણ મેળવી શકાયું છે. આ બાબતે સરકાર પણ સતત તીડના આક્રમણથી થયેલા નુકસાનના સર્વે માટે મંત્રીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસથી કૃષિ પ્રધાન આર.સી ફળદુ પણ બનાસકાંઠાની મુલાકાતે છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઇ પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જલ્દી જ ખેડૂતોને સહાય મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે જણાવ્યું હતું.
જિલ્લામાં છેલ્લા 13 દિવસથી તીડના આક્રમણ સામે તંત્રની કાર્યવાહી શરૂ છે અને મોટા ભાગે તીડના મોટા ઝુંડમાં નાશ કરવામાં સફળતા મળી છે. આ કાર્ય ખેડૂતોના સાથ અને સહકારથી જ શક્ય બન્યું છે અને હવે થોડા દિવસોમાં તીડના આક્રમણ પર નિયંત્રણ મેળવી શકાશે અને ખેડૂતોને પણ ચિંતામાંથી રાહત મળશે.