- ગુજરાતમાં રાશન અનાજ કૌભાંડ (Grain scandal)આવ્યું સામે
- રાશન અનાજ કૌભાંડમાં બનાસકાંઠા જિલ્લાના દુકાનદારો સામેલ
- બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ
- જિલ્લામાં 10 ટીમો બનાવી તપાસ કરવામાં આવશે
પાલનપુરઃ ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજનાં રાજ્યવ્યાપી કૌભાંડ (Grain scandal) મામલે અમદાવાદ શહેર ડીસીબી પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર કૌભાંડ સસ્તા અનાજના દુકાનધારકો અને વચેટિયાઓએ મળીને આચર્યું હતું. આ અનાજ કૌભાંડમાં બનાસકાંઠાના 20 જેટલા સસ્તા અનાજની દુકાનના ધારકો સહિત કુલ 46 લોકો સામે ફરિયાદ થઈ હતી. દુકાનદારો અનાજ ન લેતા કાર્ડધારકોના ઓનલાઈન બિલો બનાવી અનાજ બારોબાર વેચતા હતાં. જેમાં રેશન કાર્ડધારકની જાણ બહાર નામ, નંબર, ફિંગર પ્રિન્ટ, ડેટા ગેમસ્કેન જેવા સર્વર બેઝ સોફ્ટવેર બનાવી ખોટા બિલો બનાવતાં હતાં.ખોટા બિલો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકાર અને કાર્ડધારક સાથે છેતરપિંડી કરતા 8 ઝડપાયા હતાં. જેમની પાસેથી મોબાઈલ,લેપટોપ, ફિંગર પ્રિન્ટ સ્કેન મશીન સહિત 1.62 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.
બનાસકાંઠાના 20 દુકાનદારોના કૌભાંડમાં નામ આવ્યાં
સમગ્ર ગુજરાતમાં કાળાબજારમાં બનાસકાંઠા જિલ્લાના વેપારીઓનું ક્યાંકને ક્યાંક નામ સામેલ હોય છે. અગાઉ પર અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓમાં બનાસકાંઠા જિલ્લાના અનેક વેપારીઓ સામે કેસ થયા છે. ત્યારે રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં (Grain scandal) સૌથી વધુ સસ્તાં અનાજની દુકાનના સંચાલકો બનાસકાંઠા જિલ્લાના છે. દાંતા અને અમીરગઢ જેવા આદિવાસી વિસ્તારની 20 જેટલી સસ્તા અનાજની દુકાનો આ અનાજ કૌભાંડ સાથે સંકળાયેલી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં (ACB) ફરિયાદ થતાં જ જિલ્લા પુરવઠા વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કેટલા વર્ષથી કૌભાંડ કરવામાં આવ્યું હતું એ દિશામાં તપાસ શરૂ કરી છે.