ભારત સરકાર દ્વારા આરોગ્ય બાબતે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી ઉપર ડીપ્થેરીયાના કેસો બહાર આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સરકાર દ્વારા કહેવામાં આવે છે કે, ડીપ્થેરીયા પણ નાબુદીના આરે છે, ત્યારે ધાનેરામાં ડીપ્થેરીયાની અસરથી 4 લોકોના મોત થતા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ આ તપાસમાં લાગી ગઈ હતી અને તપાસ દરમિયાન બીજા ડીપ્થેરીયાના 14 કેસ મળી છે.
ધાનેરામાં ડીપ્થેરિયાના રોગે લીધો ભરડો, 4ના મોત 14 અસરગ્રસ્ત - gujarat goverment
બનાસકાંઠાઃ ધાનેરામાં તપાસ દરમિયાન ડીપ્થેરિયાના અસરથી 4 લોકોના મોત અને 14 અસરગ્રસ્તના કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ ગાંધીનગરથી પણ અધિકારીઓએ ધાનેરામાં ધામા નાખ્યા છે અને અસરરગ્રસ્ત વિસ્તારમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે.
તપાસ દરમિયાન ડીપ્થેરિયાની અસરથી માસુક ભીલ, શૈલેષ પરમાર, હીનાબેન લવારા, જાનવી ભીલના મોત થયા છે. છેલ્લા બે મહીનાથી ધાનેરા તાલુકાના મોટા ભાગના લોકો વાયરલ ફિવરનો શિકાર બન્યા છે. તેમાં પણ ડેન્ગ્યુનું પ્રમાણ વધતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે બીજી તરફ ધાનેરામાં ડીપ્થેરિયાથી મોત થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
છેલ્લે ડીડપ્થેરીયાનો રોગ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચિભડા ગામે જાન્યુઆરી 2019માં જોવા મળ્યો હતો અને જેમાં ચિભડામાં બે બાળકોના મોત થયા હતા. આ રોગ ફરીથી ધાનેરામાં જોવા મળતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમા હાલમાં 14 ડીપ્થેરીયાના કેસ બહાર આવ્યા છે, જેથી તમામ અસરગ્રસ્ત લોકોને હાલ સારવાર હેઠળ રખાયા છે અને આરોગ્યની 18 જેટલી ટીમો દ્વારા રસીકરણની કામગીરી પણ શરુ કરવામાં આવી છે.