ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસડેરીની ચૂંટણીમાં બે નેતાઓએ ભર્યા ફોર્મ, પાલનપુરમાં શંકરભાઈ ચૌધરી તો થરાદમાં પરબત પટેલે ફોર્મ ભર્યું - Banas dairy

એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીનો જંગ મંડાણો છે. ત્યારે હવે ઉમેદવારી પત્ર ભરવા માટે ફક્ત બે દિવસો જ બાકી હોવાથી સોમવારે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને બનાસડેરીના પૂર્વ ચેરમેને પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

banas
banas

By

Published : Sep 29, 2020, 7:44 AM IST

પાલનપુરઃ એશિયાની સૌથી મોટી અને વર્ષે 12 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીની 19 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે તેમજ 20 ઓક્ટોબરે જ તેનું પરિણામ છે. જેને લઈને ગુજરાત સહિત દેશભરની નજર બનાસડેરીની ચૂંટણી પર મંડાણી છે. જોકે હવે બનાસડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાના ફક્ત બે જ દિવસો જ બાકી હોવાથી સોમવારે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા અને વર્તમાન નિયામક મંડળના 13 ડિરેક્ટરો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સાથે જ જીતનો આશાવાદ વ્યક્ત કરતા તમને બનાસડેરીની ચૂંટણીનું ટર્ન ઓવર આગામી વર્ષોમાં અનેક ઘણું વધારીને પશુપાલકોના હિતમાં કામ કરવાની વાત કરી હતી.

બનાસડેરીની ચૂંટણીમાં બે નેતાઓએ ભર્યા ફોર્મ

જોકે, શંકરભાઈ ચૌધરી સિવાય જિલ્લાના અનેક દિગ્ગજ નેતાઓએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં થરાદ મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલેનું ઉમેદવારી ફોર્મ તેમના પુત્ર શૈલેશ પટેલે પોતાના સમર્થકો સાથે જઈને ભર્યું હતું. તો બીજી બાજુ પાલનપુરમાં બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળનું ફોર્મ તેમના પુત્ર વસંત ભટોળે તેમના સમર્થકો સાથે જઈને ભર્યું હતું.

બનાસડેરીની ચૂંટણી માટે આજે બાકી રહેલા ઉમેદવારો પોતાનું ફોર્મ ભરશે. જેમાં બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ પોતાનું ફોર્મ ભરશે. માવજી દેસાઈએ શંકર ચૌધરી સામે ખુલ્લો બળવો કર્યો છે અને તેવો શંકર ચૌધરી સામે પેનલ બનાવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો બીજી બાજુ સાંસદ પરબત પટેલે પણ શંકર ચૌધરી સામે માવજી દેસાઈ સાથે મળીને પેનલ બનાવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. બનાસકાંઠાના અનેક ખેડૂત આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને નેતાઓ શંકર ચૌધરીને હરાવવા એક થઈ ગયા હોવાની અનેક વાતો વહેતી થતાં જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

તો બીજી બાજુ રાજનીતિના એકકા ગણાતા શંકર ચૌધરીએ પોતાની પ્રતિષ્ઠા અને સત્તા ટકાવી રાખવા માટે છેલ્લા 6 માહિનાથી જ બનાસડેરીની ચૂંટણી જીતવા માટે અનેક યોજનાબદ્ધ રણનીતિ બનાવીને કામ શરૂ કરી દીધું છે. બનાસડેરીની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા હવે શંકર ચૌધરીએ પોતાની સત્તા ટકાવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે તેમના હરીફો પણ ગુપ્ત બેઠકો કરીને ચૂંટણી જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. બનાસડેરીની ચૂંટણી આગામી 19 તારીખે યોજાવાની છે ત્યારે શંકર ચૌધરી દ્વારા તેમની પેનલ બિનહરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. તો સામે પક્ષે શંકર ચૌધરીને હરાવવાના કારસા ઘડાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સાડા ત્રણ લાખ કરતા વધુ પશુપાલકો ધરાવતી બનાસડેરીનું સુકાન કોના હાથમાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details