ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ઝડપાઈ, અંદાજીત ૯.૫૦ લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી મળ્યું

રાજ્યમાં જાણે કે ભેળસેળ અને નકલીની મોસમ ચાલી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. પૈસા કમાવવાની લાલચમાં કેટલાંક લેભાગુ વ્યક્તિઓ લોકોના આરોગ્ય સામે ચેડા કરવામાં પણ અચકાતા નથી, ત્યારે ફરી એકવાર રાજ્યમાં શકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે.

ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ઝડપાઈ
ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ઝડપાઈ

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 10:17 AM IST

બનાસકાંઠા/ગાંધીનગર: લોકોને જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. જેના પગલે અવાર-નવાર ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્ર દ્વારા શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. અને અહીંથી ૯.૫૦ લાખ રૂપિયાની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને વનસ્પતી ઘીનો આશરે ૩૨૦૦ કિલો જથ્થો જપ્ત કરાયો છે.

શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો: ફુડ કમિશનર કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે, તેવી બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. પાલનપુરના ડીસા ખાતે રેલવે ફાટક પાસે આવેલી પદમનાથ ફુડ પ્રોડકટસમાં તપાસ કરવામાં આવી હતી, પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમુનો લેવાયો હતો. જેમાથી અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.

ફુડ વિભાગની કાર્યવાહી: આ ઉપરાંત ડીસાની ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢીના માલિક ઠક્કર દિનેશભાઈની હાજરીમાં શંકાસ્પદ ઘીના પાંચ નમુના લેવામા આવ્યા હતાં અને બાકીનો અંદાજીત ૫.૫૦ લાખ રૂપિયાની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘીનો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમુના લેવામાં આવ્યા, જયારે બાકીની આશરે અંદાજીત ૨.૫૦ લાખ રૂપિયાની કિંમતનો ૧૪૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

કાયદેસરની કાર્યવાહી કરાશે:ફુડ કમિશનરે આ બંને જગ્યાએથી જપ્ત કરાયેલા ઘી અને વનસ્પતીના કુલ આઠ નમુનાઓ લેવામા આવ્યા હતાં, જેમા અંદાજીત ૯.૫૦ લાખ રૂપિયાની કિંમતનો બાકીનો કુલ આશરે ૩૨૦૦ કિ. ગ્રા. જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામા આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ પણ જણાવ્યું હતું.

  1. ડીસા નગરપાલિકાનું 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ બાકી ! UGVCLએ ફટકારી નોટિસ, બિલ ભરો નહી તો...
  2. Banaskantha Crime News: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 4 કરોડ 26 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, એક નાઈજિરિયન યુવતિની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details