ફૂલોની ઉપજ ઓછી થતા ભાવમાં વધારો બનાસકાંઠા: દર વર્ષે નવરાત્રીની શરૂઆત સાથે જ ફુલ માર્કેટમાં પણ તેજી જોવા મળતી હતી. પરંતુ આ વખતે નવરાત્રીની શરૂઆત સાથે જ ફુલ બજારમાં મંદી છવાઈ ગઈ છે. કારણ કે આ વર્ષે બિપરજોય વાવાઝોડાની અસર ફૂલોની ખેતી પર પણ થઈ છે. વાવાઝોડાના કારણે અનેક ખેતરોમાં ફૂલોના છોડ નાશ પામ્યા હતા. ત્યારબાદ ચોમાસામાં પણ વરસાદ ખેંચાયો હતો. જેના કારણે ફૂલોની ખેતી પર તેની સીધી અસર જોવા મળતાં ફૂલોની ઉપજ ખૂબ જ ઓછી થઈ છે.
'આ વખતે બીપરજોય વાવાઝોડું અને વરસાદની અનિયમિતતાને કારણે ફુલના જે છોડ હતા તેમાં નુકસાન થયું હતું. જેના કારણે ફૂલો અહીં થયા નથી અને બહારથી આયાત કરવા પડે છે જેના કારણે લાવવામાં મોંઘા પડે છે. જેને લઇને ગ્રાહકોમાં પણ અમારે મોંઘા વેચવા પડે છે. તેથી તહેવારોમાં પણ દર વર્ષે જેટલું વેચાણ થતું હતું એટલું નથી થતું.'- ફુલોના વેપારી
ફૂલોના ભાવ વધ્યા: ગત વર્ષની સરખામણીમાં આ વખતે 40થી 50 ટકા જેટલા ફૂલોની ઉપજ ઓછી થઈ છે. જેથી ફૂલોના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે હોલસેલમાં ફૂલોના ભાવ દોઢ ગણા વધ્યા છે. ગુલાબના ફૂલ હોલસેલમાં 100 રૂપિયે આસપાસ મળતા હતા. તે અત્યારે 150 રૂપિયે મળે છે. સૌથી વધુ ગલગોટાની માંગ હોય છે તેમાં પણ ગત વર્ષે જે ગલગોટાનો હોલસેલમાં કિલોએ ભાવ 40 રૂપિયા હતો. તેમાં આ વર્ષે 60થી 70 રૂપિયાનો ભાવ વધી ગયો છે.
તહેવારો ટાણે જ હવે ફૂલ માર્કેટમાં મંદી 'આમ તો નવરાત્રીમાં દર વર્ષે અમે વધારે પ્રમાણમાં ફૂલ અને ફૂલહાર લેતા હોઈએ છી. પરંતુ આ વર્ષે ફૂલોના ભાવમાં ખૂબ વધારો છે. તેથી દર વર્ષે જે ફૂલો લેતા હતા તેમાં 50% નો ઘટાડો કરીને ઓછા ફૂલહાર અમે લઈએ છીએ.' - ગ્રાહક
ફૂલોની ખરીદી થઈ ઓછી: ફુલ માર્કેટમાં ખાસ કરીને નવરાત્રી અને દિવાળીમાં સીઝન હોય છે. વેપારીઓ આ સિઝનની આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ આ વર્ષે તહેવારોમાં ફૂલોના ભાવમાં વધારો થતા તેની સીધી અસર ગ્રાહકો પર પણ જોવા મળી રહે છે. ગ્રાહકો હવે ફૂલોની ખરીદીમાં પણ કંજુસાઈ બતાવી રહ્યા છે. નવરાત્રીમાં સૌથી વધુ ફૂલોની માંગ હોય છે પરંતુ આ વર્ષે નવરાત્રીમાં જ ભક્તો માતાજીને ફૂલ ચડાવવામાં પણ કરકસર કરી રહ્યા છે. હવે વેપારીઓ ફૂલ માર્કેટમાં તેજી આવે અને વેપારીઓની દિવાળી સુધરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
- ઉત્તરાખંડમાં ઓક્ટોબર માસમાં ખીલ્યા બહ્રમકમળના ફુલો
- નામ કમાવવા માટે કોઈ ફુલ ખીલતું નથી, મહેક વગરના ફૂલોઓએ રસ્તા પર સુંદરતા વેરી