- ન્યુમોનિયાના લીધે જવાન શહીદ થયો હતો
- ઓરિસ્સામાં આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો
- મોટા ગામમાં યુવાનને પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી આપી
સમગ્ર ગુજરાતમાં સહુથી વધુ આર્મી જવાનો આપનારા બનાસકાંઠાના મોટા ગામનો વધુ એક જવાન દેશસેવા કરતા શહીદ થયો છે. મહેન્દ્રસિંહ હડિયોલ નામના જવાને ઓરિસ્સામાં આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતાં આજે મોટા ગામમાં યુવાનને પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી આપી હતી. મોટા ગામના 400થી વધુ યુવાનો આર્મીમાં તો કુલ 700 જેટલા યુવાનો વિવિધ ડિફેન્સ વિભાગમાં ફરજ બજાવી દેશસેવા આપી રહ્યા છે.
અંતિમ યાત્રા વખતે ગામ દેશભક્તિના રંગે રંગાયું
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામના 700 જેટલાં યુવાનો વિવિધ સંરક્ષણ વિભાગોમાં ભરતી થઈ દેશસેવા કરી રહ્યાં છે. જેમાંથી 400 યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. આ અગાઉ પણ ગામના બલદેવસિંહ વાઘેલા નામના જવાન નકસલીઓ સાથેની હિંસક મુઠભેડમાં શહીદ થયાં હતાં. ત્યારે ત્રીજી જાન્યુઆરીના ફરી એક મોટા ગામનો જવાન ફરજ દરમિયાન શહીદ થતાં આજે સજળ નયને ગ્રામજનોએ તેમને અંતિમ વિદાય આપી હતી.
બનાસકાંઠાના શહીદ જવાનને અપાઈ અંતિમ વિદાય હડિયોલ મહેન્દ્રસિંહ નામના જવાન 10 વરસોથી આર્મીમાં હતો
હડિયોલ મહેન્દ્રસિંહ નામના આ જવાન છેલ્લાં 10 વરસોથી આર્મીમાં ફરજ બજાવતાં હતા. એક અઠવાડિયા અગાઉ જ તેઓ રજા પૂર્ણ કરી ઓરિસ્સાના ભોપાલપુરમાં ડ્યુટી પર પરત ગયા હતા. તે દરમિયાન ત્રીજી જાન્યુઆરીએ તેઓનું આર્મી હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આજે મોટા ગામમાં જવાનને ગઢ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે રાજકિય સન્માનપૂર્વક વિદાય અપાઈ હતી. બીજી તરફ ત્રિરંગામાં રહેલા જવાનના પાર્થિવ દેહને ગ્રામજનોએ અંતિમ વિદાય આપી હતી.