બનાસકાંઠાઃ સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં એક પિતા-પુત્ર બિનવારસી વાછરડાઓની અનોખી સેવા કરી રહ્યા છે. આ પિતા-પુત્ર ગાય માતાથી વિખૂટા પડેલા વાછરડાઓને પોતાના પરિવારનાં સદસ્યોની જેમ પોતાની વ્યવસાયની જગ્યામાં આશરો આપી સારસંભાળ રાખી રહ્યા છે.
પરેશભાઈની અનોખી ગૌ-સેવા
- ગાયના મૃત્યુ બાદ વછરડાની સાર-સંભાળ રાખે છે
- 11 વાછરડાઓ તેમની ફેક્ટરીમાં છે
- સારવાર અર્થે દવાખાને પહોંચાડી હજારો ગાયોના જીવ બચાવ્યા છે
- પુત્ર પણ ગાયોની સેવામાં જોડાયા છે
- 10 વર્ષથી ગાયોની સેવા કરે છે
- વાછરડાનું નામકરણ પણ કરે છે
પાલનપુરમાં રહેતા પરેશભાઈ પ્રજાપતિ અને તેમનો પુત્ર ગોવિંદભાઇ જેઓ આરસ પથ્થરની ફેકટરીનો વ્યવસાય કરે છે. આ પરેશભાઈને ગાયો તેમજ નિરાધાર ગૌવંશ માટે અનોખો પ્રેમ ધરાવે છે. 7 વર્ષ પહેલા એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રીના 2 કલાકે એક ફોન આવ્યો કે, એક ગાય મૃત્યુ પામી છે અને તેની બાજુ માં એક વાછરડું બેઠું છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં આ વાછરડાની કેવી હાલત હશે તે વિચારી પરેશભાઈ ત્યાં પહોંચી ગયા અને આ વાછરડાને ફેકટરી લઇ આવ્યા હતા. તે સમયે વાછરડાની સ્થિતિ જોઈ પરેશભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. બસ ત્યારથી પરેશભાઈએ નક્કી કર્યું કે, આજ પછી આવા નિરાધાર વાછરડાની સેવા કરવી.