બનાસકાંઠાઃ ડીસા શહેરનો વિકાસ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે, તો બીજી તરફ ડીસા શહેરના લોકો ગંદા પાણીથી થાકી ગયા છે. ગુજરાત સરકાર એક તરફ સ્વચ્છ અભિયાન ચલાવી દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, તો બીજી તરફ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે, જ્યાં લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે, જ્યાંથી ગંદકીના કારણે ચાલવું પણ મુશ્કેલ બને છે.
ગુલાબણી નગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે આમરણાંત ઉપવાસ
- ગંદા પાણીના નિકાલ માટે શરૂ કરાયો ઉપવાસ
- અનેક વખત રજૂઆત કરવા છતાં નથી થતું સમાધાન
- સોમવારે ફરી લોકો રજૂઆત કરવા ગયા હતા
- રજૂઆત કરવા ગયેલા લોકોને પોલીસે અટકાવ્યા
- સ્થાનિક લોકોએનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પર કર્યો આક્ષેપો
- ન્યાય નહીં મળવા પર ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી
ડીસાના ગુલાબણી નગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે આમરણાંત ઉપવાસ
ડીસાના ગુલાબણી નગર વિસ્તારમાં 200થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે અને આ વિસ્તારના લોકો દર વર્ષે પોતાની સોસાયટીના લોકોને કોઈપણ જાતની તકલીફો ન પડે તે માટે પાણી વેરો, સફાઈ વેરો અને ઘર વેરો ભરે છે, પરંતુ આ વિસ્તારના લોકોને આજદિન સુધી ગંદાપાણીના નિકાલનો ન્યાય મળ્યો નથી.
ડીસા શહેરમાં આવેલો ગુલબાણી નગર વિસ્તાર ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે આ વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી કંટાળી ગયેલા રહીશો સોમવારે ડીસા નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ડીસા શહેર પોલીસે તેમના વિસ્તારમાં પહોંચીને આ વિસ્તારના લોકોને રજૂઆત કરવા જતાં રોક્યાં હતા. જેથી પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ લોકોએ પોલીસ અને નગરપાલિકાના વિરોધમાં રોડ પર બેસી રામધૂન બોલાવી હતી.
સોમવારે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સામે ખૂબ જ સંગીન આક્ષેપો કર્યા હતા. ગત ઘણા સમયથી આ વિસ્તારના લોકોએ ગંદાપાણીના નિકાલ માટે રજૂઆત કરી હોવા છતાં, આજદિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા ગંદાપાણીનો નિકાલ કરવામાં આવતો નથી. જેથી સ્થાનિકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.