- બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વિવિધ માગણીઓ સાથે વિરોધ દર્શાવ્યો
- પાલનપુર કલેક્ટર કચેરી આગળ રામધૂન બોલાવી સરકારનો કર્યો વિરોધ
- ખેડૂતોએ માંગણીઓને પૂર્ણ કરવા જિલ્લા કલેકટર આનંદ પટેલને આપ્યું આવેદનપત્ર
- માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ખેડૂતોની ચીમકી
બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ કાયદાઓ હેરાન કરી રહ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તે સમયે તેમણે ઉત્તર ગુજરાતની નદીઓમાં નર્મદાનું પાણી લાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજી સુધી પાણી આવ્યું નથી અને દિવસેને દિવસે વરસાદ ઓછો પડતા ઉત્તર ગુજરાતની નદીઓ સુકાઈ ગઈ છે. આ સિવાય થ્રી ફેઝ કનેક્શન પરથી ચાર્જ નાબૂદ કરવા અને સરકારે લાવેલી ટોપ યોજનામાં 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનો પણ સમાવેશ થાય તે માટે અનેકવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સરકારે હજી સુધી ખેડૂતોના પ્રશ્નો મામલે કોઈ જ ધ્યાન આપ્યું નથી કે નથી આ મામલે કોઈ વિચારણા કરી. આથી કંટાળેલા ખેડૂતો આજે પાલનપુર કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા.
આ પણ વાંચો-ગુજરાતની ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં વિરોધ
ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. સમસ્યાના નિકાલ માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ અનેકવાર સરકાર સામે આંદોલન કર્યા છે. છતાં પણ હજી સુધી ખેડૂતોને કોઈ પ્રકારની માગણીઓ પૂરી કરવામાં આવી નથી. આથી કંટાળેલા ખેડૂતોએ જિલ્લાના કલેકટર કચેરી સામે ધરણાં કર્યા હતા. ધરણાં દરમિયાન જિલ્લાના ખેડૂતોએ રામધૂન બોલાવી સરકારનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. રામધૂન થકી સરકારને તે માટે ખેડૂતોએ આજે કલેકટર કચેરી આગળ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકારનો વિરોધ કર્યો હતો. સરકારને સદબુધ્ધિ આવે અને સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે વિચારણા કરે તે માટે રામધૂન બોલાવી, ભજન સત્સંગ કરી ભગવાનને પ્રાર્થના કરી હતી.