બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સારા વળતરની આશાએ વાવેતર કર્યું હતું. પરંતુ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ, કરાનો વરસાદ તેમજ અંતે ઈયળના ત્રાસના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી - કેનાલ સફાઈ
બનાસકાંઠા: જિલ્લામાં નર્મદા કેનાલ ભ્રષ્ટાચારનો પર્યાય બની છે. જે કોન્ટ્રાક્ટરોની પાણી છોડતાં પહેલાં સફાઈની જવાબદારી છે. તે કોન્ટ્રાક્ટરો આજ દિન સુધી ક્યારેય કેનાલ સફાઈ માટે આવ્યા નથી. જેના કારણે જગતના તાતને પોતાના ખેતરના બદલે કેનાલમાં સફાઇની કામગીરી કરવાની ફરજ પડી છે. સફાઈના અભાવે કેનાલમાં ગાબડા ન પડે અને તેમને સિઝન દરમિયાન પાણી મળી રહે તે માટે ખેડૂતો જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે.
ખેડૂતોએ થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે ફરી નવી આશા સાથે વાવેતર શરૂ કર્યું છે. પરંતુ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે નર્મદાની કેનાલ ભ્રષ્ટાચારનો પર્યાય બની છે. કેનાલ બાંધકામ સમયે કોન્ટ્રાક્ટરોને અમુક વર્ષો સુધી સફાઈ કરવા અંગેની ટેન્ડરમાં જોગવાઈ હોય છે. પરંતુ કેનાલની બાંધકામ બાદ ક્યારેય પણ કોન્ટ્રાક્ટર કેનાલ સફાઈ માટે આવતા નથી. જેના, કારણે હવે ખેડૂતોને કેનાલની સફાઈ માટે સામૂહિક શ્રમદાન કરવાની ફરજ પડી છે. સરહદી વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે જાતે જ કેનાલની સફાઈ હાથ ધરી છે.
કેનાલ સફાઈમાં ખેડૂતોની સાથે ગામના યુવાનો અને પોતાના સ્વજનો પણ જોડાયા છે. તેવામાં ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જેથી, ભવિષ્યમાં કેનાલ તૂટવાની ઘટનાઓ બનતી અટકી શકે.