દેશમાં સૌથી કફોડી પરિસ્થિતિ ખેડૂતોની છે. વારંવાર થતાં નુકશાનને કારણે ભૂમિપૂત્રોની આર્થિક પરિસ્થિતિ નબળી બને છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના ખેડૂતોની વેદના રજૂ કરતો આ અહેવાલ... 'મહા' વાવાઝોડાની અસરના કારણે થયેલા કમોસમી વરસાદના કારણે બાજરી, મગફળી અને બટાકાના પાકને નુકશાન છે. જ્યારે બીજી તરફ દાડમ અને અન્ય બાગાયતી પાકોને પણ વરસાદના કારણે મોટું નુકશાન થયુ છે.
જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. છતાં પણ ખેડૂતોને વળતર મળશે કે કેમ? તે અંગે શંકા છે. અગાઉ પણ ખેડૂતો પાક વીમા માટે લડત આપી પણ આજદિન સુધી ખેડૂતોને પાક વિમાનું વળતર મળ્યું નથી. જેથી ખેડૂતોની એક જ માગ છે કે વીમાના નાણાં મળે કે ન મળે પણ સરકાર ખેડૂતોને મદદ કરવા આગળ આવે. જો સરકાર ખેડૂતોની મદદે નહીં આવે તો ખેડૂતોને મરવાનો સમય આવશે.
- બનાસકાંઠામાં કુલ નુકશાન મામલે મળેલી અરજીઓ : 12211
- રવી ઋતુનો વાવેતર વિસ્તાર - 47905 હેકટર
- ખરીફ ઋતુનો વાવેતર વિસ્તાર - 597396 હેકટર
- સર્વે કરવામાં આવેલો વિસ્તાર અંદાજિત 1 લાખ હેકટર
- 33 ટકાથી વધુ નુકસાન કોઈ ખેડૂતને નથી
સરકારે ખેડૂતોને વીમા માટે ટોલ ફ્રી નંબર આપ્યા છે. પરંતુ, તેમાં ફોન લાગતા ન હોવાની બૂમો ઉઠી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં માત્ર 75 ગ્રામસેવક છે. જેના માથે નુકસાન સર્વે કરવા માટેનું ભારણ છે. જિલ્લાના તમામ નુકસાની થયેલા ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે વ્યવસ્થા તંત્ર જ સજ્જ નથી, ત્યારે ખેતીવાડી અધિકારી સર્વેમાં હજુ સુધી 33 ટકાથી વધુ નુકશાનને નકારી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જિલ્લામાં કમોસમી વરસાદના નુકશાન મામલે ખેડૂતો બુમરાણ કરી રહ્યા છે.