ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોને કેનાલનું પાણી ન મળતા રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

ભાભર તાલુકાના 5 જેટલા ગામમાં કેનાલ બનાવ્યાના 7 વર્ષ બાદ પણ પાણી ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે. આજે બુધવારના રોજ કંટાળેલા ખેડૂતોએ કેનાલ પર બેસી બહેરી સરકારને તેમનો અવાજ પહોંચાડવા માટે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ખેડૂતોએ કેનાલ પર રામધૂન બોલાવી
બનાસકાંઠાના સરહદી વિસ્તાર ખેડૂતોએ કેનાલ પર રામધૂન બોલાવી

By

Published : Jul 29, 2020, 5:58 PM IST

બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને પીવા માટે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ બનાવવામાં આવી છે. જેમાં ખેડૂતોએ પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે તે આશાએ પોતાની જમીન હોંશે હોંશે સરકારને અર્પણ કરી દીધી હતી, પરંતુ જિલ્લાના કેટલાક ગામડાઓ એવા પણ છે કે, જ્યાં કેનાલ બનાવ્યા બાદ 7 વર્ષ સુધી ખેડૂતોએ કેનાલમાં પાણીનું ટીપું પણ જોયું નથી. જેના કારણે ખેડૂતોએ પાણીની આશાએ આપેલી જમીન વ્યર્થ ગઈ હોવાનું અનુભવી રહ્યા છે.

આ વાત છે ભાભર તાલુકાના ચેમ્બુવા ગામની. જ્યાં સરકારે કેનાલ તો બનાવી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી કેનાલમાં પિયત માટે પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જો કે, ખેડૂતોનું હિત ઈચ્છતિ સરકાર કરોડોના ખર્ચે કેનાલો બનાવી છે. આ કેનલો અધિકારીઓના ભરોસે ચાલી રહી છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. જેથી કંટાળેલા ખેડૂતો આજે કેનાલ પર પહોંચી રામધૂન બોલાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ખેડૂતોએ કેનાલ પર રામધૂન બોલાવી

ચેમ્બુવા ગામના ખેડૂતોએ અનેક વખત નર્મદા વિભાગના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. એટલુંજ નહીં પરંતુ અધિકારીઓ કેનાલમાં પાણી આવે છે કે, નહીં તે જોવા સુધ્ધા પણ આવ્યા નથી.

મૂંગા તંત્રને કાને સંભળાય એટલા માટે આજે ખેડૂતો એ કેનાલ પર બેસી રામધૂન ગાઈ છે. ખેડૂતોની અવઘણના કરનારી સરકાર સામે વિરોશ દર્શાવ્યો છે. કેનાલમાં પાણી ન મળવાના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે.

એક તરફ વારંવાર ખેડૂતો કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યા છે. તીડ ,ઈયળોનો ઉપદ્ધવ ,કમોસમી માવઠું હોય કે પછી દુષ્કાળ ખેડૂતોને તો વારંવાર નુકસાન વેઠવાનો વારો આવે છે. કેનાલમાં પાણી પણ ન મળતા ખેડૂતોની હાલત વધારે કફોડી બની છે. ખેડૂતો ભગવાન ભરોષે જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં પાણીની સૌથી મોટી ગંભીર સમસ્યા છે. કેનાલમાં પાણી ન મળતા અહીંના ખેડૂતો અને પશુપાલકોની હાલત દયનીય બની છે. આ વર્ષે તો વરસાદ પણ ખેંચાયો છે અને ખેડૂતોએ વાવેલા મોંઘાદાટ બિયારણો પણ નિષ્ફળ જાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોની આ સ્થિતિ જોઈને સરકાર કેનાલમાં પાણી છોડી ખેડૂતોના પાક ને બચાવે તે અત્યંત જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details