- ગુજરાત ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો સમાવેશ
- 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા જિલ્લામાં ઓછી
- સરકારની યોજનામાં મંગાવેલ ડોક્યુમેન્ટ ખેડૂતો પાસે નથી
બનાસકાંઠા: છેલ્લા બે-ત્રણ વર્ષથી જિલ્લાના ખેડૂતો બટાટાના વાવેતરમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે બહારના રાજ્યોમાં બટાટાની માંગ હતી અને તેના કારણે ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટાના ભાવની માંગ વધી હતી. જેના કારણે ખેડૂતોને ફરી એકવાર સારા ભાવની આશા બટાટાનું વાવેતરમાં ચાલી હતી. જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોંઘાદાટ બિયારણો લાવી બટાટાનું વાવેતર કર્યું હતું પરંતુ ફરી એકવાર બહારના રાજ્યોમાં બટાટાનું વાવેતર વધતાં ખેડૂતોને બટાકાના ભાવમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર ડીસા તાલુકામાં થાય છે. સતત નુકસાનને કારણે હવે ડીસાના ખેડૂતો બટાટાનું વાવેતર ઓછુ કર્યું છે.
કેન્દ્ર સરકારની યોજનામાં સમાવેશ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ચારથી પાંચ રાજ્યોમાં ઓપરેશન ગ્રીન ટોપ યોજના હેઠળ બટાટા, ડુંગળી અને ટામેટાને આવરી લઈ સરકાર દ્વારા સંગ્રહ માટે ભાડાની સહાય તેમજ ટ્રાન્સપોર્ટ ભાડામાં સબસીડી આપવાની યોજના બનાવી હતી. ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી બટાટાના ઘટતા ભાવને કારણે ખેડૂતો દેવાદાર બની જતા બનાસકાંઠાના ખેડૂતોએ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા અને ધારાસભ્ય શશીકાંત પંડ્યાને રજૂઆત કરતા અને નેતાઓ દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને ગુજરાતનો સમાવેશ કરાવ્યો હતો. જેના કારણે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને બટાટામાં સબસીડી મળશે તેવી આશા જાગી હતી.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો યોજનાના લાભથી વંચિત
ખેડૂતોને ચાલુ વર્ષે લાભ મળી શકે તેમ નથી. સાથે સરકારની યોજનામાં ફેબ્રુઆરી અને માર્ચમાં જે ખેડૂતો કે વેપારીએ બટાટા વેચાણ કર્યા હોય અથવા સ્ટોરેજમાં મુકેલ હોય અને જે સમયે જ ખેડૂતોને અરજી કરવાનો સમય હતો. સરકારે ગુજરાતને હમણાં જ આ યોજનામાં સમાવેશ કરતા ચાલુ સાલે કોઈ જ લાભ મળી શકે તેમ નથી. સાથે સરકારે બે હેક્ટર ઉપરાંત ખેતી ધરાવતા અથવા એક હજાર પેકેટ ધરાવતા ખેડૂતને લાભ આપવાની યોજના બનાવી છે. બનાસકાંઠામાં 60 ટકાથી વધુ નાના અને બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા અને બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી.