- બનાસકાંઠામાં કમોસની વરસાદ વરસ્યો
- કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર
- બનાસકાંઠા જિલ્લામાં 66,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર
- બટાકાના પાકમાં સુકારો, ચર્મી અને ટપક રોગની ભીતિ
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં બન્યા ચિંતાતુર
બનાસકાંઠાઃ જિલ્લામાં દર વર્ષે ખેડૂતો સૌથી વધુ બટાકાનું વાવેતર કરે છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 66,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું. જેથી આ વર્ષે બટાકાના સારા ભાવને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે.
કમોસમી વરસાદથી ખેડૂતોમાં બન્યા ચિંતાતુર બટાકા, એરંડો, રાયડા તેમજ જીરાના પાકને મોટું નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે શનિવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લા સહિત ડીસામાં વાદળછાયું વાતાવરણ તેમજ છૂટો છવાયો વરસાદ પડયો હતો. જેના કારણે બટાકા, એરંડો, રાયડા તેમજ જીરાના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે, જો આ જ પ્રકારે વાતાવરણ રહ્યું તો રવિ સિઝનની ખેતીના તમામ પાકને મોટું નુકસાન થશે. જેથી ખેડૂતો પાયમાલ બનશે, જ્યારે અન્ય ખેડૂતોનું કહેવું છે કે, ગત કેટલાક સમયથી જે પ્રકારે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેવો બદલાવ તેમણે તેમના જીવનમાં ક્યારેય જોયો નથી. આ પ્રકારના વાતાવરણથી પાક બેસસે નહીં અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાશે.
કમોસમી વરસાદથી ખેડૂતોમાં બન્યા ચિંતાતુર બટાકાના પાકમાં સુકારો, ચર્મી અને ટપક રોગની ભીતિ
સમગ્ર ગુજરાતમાં ડીસાને બટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ડીસાના બટાકા દેશ અને વિદેશમાં મોટા પાયે નિકાસ કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ખેડૂતોએ બટાકાના બિયારણના ભાવ ઉંચા હોવા છતાં પણ સારું ઉત્પાદન મળી રહે તે માટે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ શનિવારે સવારથી જ ડીસા શહેરમાં વરસાદી છાંટા શરૂ થયા હતા. જેના કારણે ખેડૂતોના મોઢા પર આવેલું સ્મિત જાણે કુદરતે છીનવી લીધું હોય, તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર બટાકાના પાકમાં જોવા મળે છે. વાવેતર કર્યા બાદ પણ બટાકાના પાકમાં ઠંડી નહીં મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જે બાદ શનિવારે કમોસમી વરસાદ શરૂ થતાં ફરી એકવાર ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત સતત 3 દિવસ સુધી જો વરસાદ વરસવાનું શરૂ રહે તો બટાકાના પાકમાં સુકારો, ટપક અને ચર્મી જેવા રોગ આવવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે.