- બનાસકાંઠા જિલ્લામાં 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર
- ખેડૂતોને બટાકાના વાવેતરમાં કરોડો રૂપિયાનું નુકશાન
- સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ
બનાસકાંઠાઃ જિલ્લોએ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી મંદી બાદ ગત વર્ષે બટાકાના ભાવ સારા મળતા ખેડૂતોએ આ વર્ષે સારા પાકની આશાએ 2500 રૂપિયાના ભાવના બિયારણ લાવી 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસાનેબટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આજ બટાકા ડીસાના ખેડૂતોને રડાવી રહ્યું છે, ત્યારે ગત વર્ષે કોરોના વાઇરસ મહામારીના કારણે બટાકાની માગ વધી હતી. જેના કારણે બટાકાના ભાવ ઊંચા જતા બિયારણના ભાવ પણ ઊંચા ગયા હતા. તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષે બટાકા નીકળતાની સાથે જ બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને હાલમાં ખેડૂતોને જે બટાકા 2000 થી 2500 ના ભાવે વાવેતર કર્યું હતું. તે બટાકાનો ભાવ હાલ ખેડૂતોને માત્ર 100 થી 150 રૂપિયા જેટલો મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
બટાટાના ભાવ ન મળતા ખેડૂતો દ્વારા બનાસકાંઠા નાયબ કલેકટરને આવેદન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાકામાં કરોડો રૂપિયાનું નુકશાન
બટાકાનો ભાવ આ વર્ષે ચારથી પાંચ રૂપિયા કિલો થઇ ગયો છે. જેના કારણે બટાકાનું વાવેતર કરતા હજારો ખેડૂતોને અંદાજિત 800થી 1000 કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. તો બીજી તરફ આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ પર આસમાને છે અને કોલ્ડ સ્ટોરેજમાં પણ આ વખતે 10 ટકા જેટલો ભાવ વધારો કરી દેતાં ખેડૂતોને કમરતોડ ફટકો પડયો છે. એક તરફ બટાકામાં નુકસાન તો બીજી તરફ મોંઘવારી અને સ્ટોરેજના ભાડા પણ વધી જતા હવે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
બટાકાના ભાવ ન મળતા ખેડૂતો દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદન ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદન
ખેડૂત ક્રાંતિ યુનિયન ભારત દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આયોજન અંતર્ગત ખેડૂતો ડીસાના મહાકાલી મંદિર પાસેથી રેલી સ્વરૂપે નીકળી ડીસાના નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર ખેડૂતો બટાકાની મંદીમાંથી ઉગારવા માટે કોઈ આયોજન કરે તેવી ખેડૂતોની માગ કરી હતી. એક તરફ કોરોના પીકપ પકડી રહ્યો છે અને બીજી તરફ બટાકામાં મંદીના કારણે ખેડૂતોની હાલત પણ દયનિય બની ગઇ છે. તેવામાં જો સરકાર ખેડૂતોને બટાકાની મંદીમાંથી ઉગારવા માટે કોઈ આયોજન નહીં કરે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે. તેમ ખેડૂત આગેવાનો માની રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાકાના ટેકાના ભાવ અથવા તો સહાય ચૂકવવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂત પગભર થઈ શકે તેમ છે.
સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું પરંતુ બટાકાના ભાવ તળીયે બેસી જતા હાલમાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ કોરોના ફરી એક વાર શરૂ થયો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને કોરોના કરતાં પણ દયનિય સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ડીસામાં પણ બટાકાના 200થી પણ વધુ કોલ સ્ટોરેજ આવેલા છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થતા હાલમાં તમામ કોલ્ડ સ્ટોરેજો બટાકાથી ઉભરાઈ ગયા છે, ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે પરંતુ હવે ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે તેવામાં સરકાર ટેકાના ભાવે બટાકાની ખરીદી કરે અથવાબટાકાનું વાવેતર કરતા ખેડૂતોને કોઈ ખાસ સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે.