- બનાસકાંઠામાં ખેડૂતો ઇઝરાઇલ ખેતી પદ્ધતિ તરફ વળ્યાં
- પાણીની અછત અને કુદરતી આફતથી ખેડૂતોને નુકસાન...
- ઇઝરાઇલ ખેતી પદ્ધતિથી ખેડૂતોને લાખોની આવક....
- કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની પણ ઈઝરાઈલ ખેતી પદ્ધતિથી ખેતી કરવા ખેડૂતોને અપીલ
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છે. ખેતીના વ્યવસાય મોટાભાગના ખેડૂતો પોતાના પરિવારનો જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલમાં અલગ-અલગ ખેતીઓ કરી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.મો ટાભાગે ખેડૂતો દર વર્ષે ક્યાંક ખેતીમાં નુકસાન વેઠી રહ્યા હતા તો ક્યાંક સારી એવી કમાણી પણ કરી રહ્યા હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી સાથે પશુપાલન સાથે પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લો એ મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે.
પાણીની અછત અને કુદરતી આફતથી ખેડૂતોને નુકસાન
મોટા ભાગના ખેડૂતો સૌથી વધુ ખેતીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત અને કુદરતી આફતોના કારણે ખેડૂતોને વારંવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સૌથી વધુ ખેડૂતો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે વારંવાર ખેડૂતોને પાણી વગર પાકમાં નુકસાન વેઠવાનો વારો આવે છે તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. જેમ કે તીડનું આક્રમણ, ઈયળોનો ઉપદ્રવ અને કમોસમી વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે મોટાભાગના ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ વળ્યા છે.
આધુનિક ટેકનોલોજીથી ખેતીમાં ફાયદો
હાલમાં ભારત દેશ ખેતીની ટેક્નોલોજીમાં વિશ્વમાં બીજા નંબરનો દેશ માનવામાં આવે છે. ખાસ કરીને સમગ્ર ભારતભરમાં દિવસે ને દિવસે ખેતીમાં નવી નવી ટેક્નોલોજી આવી રહી છે. જેના કારણે ખેડૂતોને હાલમાં ખેત પદ્ધતિ કરવામાં જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો તે તેઓ ઓછો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ ખેડૂતોને ખેતી કરવા માટે સહાય આપવામાં આવી રહી છે. જેના કારણે દિવસે ને દિવસે ખેડૂતોને ખેતી કરવામાં સરળતા પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના ખેડૂતો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી ખેતીમાં કમાણી કરી રહ્યા છે. હાલમાં આવેલી નવી ટેકનોલોજીથી ખેતી કરવામાં પણ ખેડૂતોને સરળતા પડી રહી છે.
ઇઝરાઇલ ખેતી પદ્ધતિથી તરફ ખેડૂતો વળ્યાં
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી નાની મોટી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ દિવસે ને દિવસે જેમ ભારત દેશ પ્રગતિ કરતો ગયો છે તેમ-તેમ હાલમાં ખેતીમાં પણ ખેડૂતો દિવસેને દિવસે આવું નવી ટેકનોલોજીથી ખેતીમાં સારી એવી કમાણી કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઇઝરાયેલ દેશની ખેતી પદ્ધતિ તરફ વળ્યા છે અને આ દેશની ખેતીથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. ડીસામાં મોટાભાગના ખેડૂતો ઇઝરાયેલ દેશમાં વપરાતી ટપક પદ્ધતિ અને ડ્રિપ એરીગેશન એટલે કે ફુવારા પદ્ધતિ નો ઉપયોગ કરી હાલમાં પોતાના પાકમાં સારી એવી કમાણી અને સમયનો બચાવ કરી રહ્યા છે.
ઇઝરાઇલ ખેતી પદ્ધતિથી ખેડૂતોને લાખોની આવક
ડીસા તાલુકામાં સૌથી વધુ ખેડૂતો ઇઝરાયેલ દેશની પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ડીસા તાલુકાના આજાપુરા અને રાણપુર ગામમાં તમામ ખેડૂતો હાલ ઇઝરાયેલ દેશની ખેતી પદ્ધતિથી પોતાના ખેતરમાં મરચાં બટાટા અને અન્ય પાકોનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પહેલા પોતાના ખેતરમાં ખેડૂતોને વાવેતર કરવા માટે દિવસના ચોવીસ કલાકમાંથી 18 કલાક સુધી પોતાના ખેતરમાં પાકનું ધ્યાન રાખવું પડતું હતું. પરંતુ જ્યારથી ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ખેડૂતો પોતાના ખેતરમાં ધ્યાન રાખવા માટે જતા નથી અને સમયનો પણ બચાવ કરી રહ્યા છે. ટપક પદ્ધતિના કારણે તમામ પાકને સારો એવો પાણી પણ મળી રહે છે અને જે વધારે પડતા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હતો, તેમાં પણ બચાવ થઇ રહ્યો છે. આમ, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઇઝરાયેલ દેશની પદ્ધતિથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.